Assam Passes UCC Bill: આસામમાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ અને ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર દેશનું ત્રીજું રાજ્ય, જાણો કયા 10 મોટા ફેરફારો થશે

0
156
Assam Passes UCC Bill
Assam Passes UCC Bill

Assam Passes UCC Bill: આસામ વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ બહુમતી સાથે પસાર થઈ ગયું છે. આ સાથે જ ઉત્તરાખંડ અને ગુજરાત બાદ આસામ દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરનાર ત્રીજું રાજ્ય બની ગયું છે. આ ઐતિહાસિક બિલ પસાર થતાં જ રાજ્યમાં વર્ષોથી ચાલતા ધર્મ-આધારિત વ્યક્તિગત કાયદાઓ નાબૂદ થશે અને લગ્ન, છૂટાછેડા તેમજ વારસા જેવા વિષયોમાં મોટા બદલાવો આવવા જઈ રહ્યા છે.

Assam Passes UCC Bill

Assam Passes UCC Bill: મહિલા સુરક્ષા અમારો મુખ્ય ઉદ્દેશ્ય: સીએમ હિમંતા બિસ્વા શર્મા

બિલ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે, “આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય લઘુમતી સમુદાયોની મહિલાઓને સામાજિક સુરક્ષા અને ન્યાય સુનિશ્ચિત કરવાનો છે.” જો કે, બીજી તરફ આ બિલનો વિરોધ પણ શરૂ થઈ ગયો છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સહિત ઘણા મુસ્લિમ નેતાઓએ આ બિલની કડક આલોચના કરી છે. ઓવૈસીએ આક્ષેપ કર્યો છે કે આ બિલ મુસ્લિમો પર હિન્દુ કાયદા લાદવાનો ‘પરોક્ષ પ્રયાસ’ છે, જેમાં ઉત્તરાધિકાર અને છૂટાછેડા સંબંધિત બાબતોમાં હિન્દુ સિદ્ધાંતો દાખલ કરાયા છે.

Assam Passes UCC Bill: આસામ UCC અંતર્ગત થનારા 10 મુખ્ય ફેરફારો:

આ કાયદો લાગુ થતાં જ આસામના નાગરિકોના જીવનમાં નીચે મુજબના મહત્વના કાનૂની ફેરફારો જોવા મળશે:

  1. Assam Passes UCC Bill: વ્યક્તિગત કાયદાઓનો અંત, આદિવાસીઓને મુક્તિ: સંપૂર્ણ સમાનતા લાવવા માટે આ કાયદો તમામ ધર્મના પર્સનલ લોને રિપ્લેસ કરશે. જો કે, રાજ્યની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખવા અનુસૂચિત જનજાતિ (ST) ને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
  2. બહુપત્નીત્વ પર પ્રતિબંધ અને જેલની સજા: દ્વિપત્નીત્વ કે બહુપત્નીત્વ (એક કરતાં વધુ લગ્ન કરવા) પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા (BNS 2023) ની કલમ 82 હેઠળ 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
  3. એકપત્નીત્વ અનિવાર્ય અને ઉંમર મર્યાદા: હવે કાયદાકીય રીતે એક જ લગ્ન માન્ય રહેશે. લગ્ન માટે વરરાજાની ઉંમર 21 વર્ષ અને કન્યાની ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  4. ધાર્મિક રિવાજોની સ્વતંત્રતા: કાયદો સાંસ્કૃતિક વિવિધતાનું સન્માન કરે છે. નાગરિકો પોતાના ધાર્મિક રીત-રિવાજો અને પરંપરાગત સમારોહ મુજબ લગ્ન કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર રહેશે.
  5. 60 દિવસમાં લગ્ન-છૂટાછેડાની નોંધણી ફરજિયાત: છેતરપિંડી રોકવા માટે તમામ લગ્ન અને છૂટાછેડાનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. લગ્નના 60 દિવસની અંદર સબ-રજિસ્ટ્રાર પાસે મેમોરેન્ડમ જમા કરાવવું પડશે.
  6. છૂટાછેડાના સમાન નિયમો અને બાળકોની કસ્ટડી: ક્રૂરતા, ત્યાગ કે પરસ્પર સંમતિ જેવા તમામ આધારો પર તમામ ધર્મો માટે છૂટાછેડાના સમાન નિયમો રહેશે. આ સિવાય 5 વર્ષથી નાની ઉંમરના બાળકોની કસ્ટડી ફરજિયાત માતા પાસે રહેશે.
  7. વારસામાં લિંગ-તટસ્થ સમાન અધિકાર: ઉત્તરાધિકારના નિયમોમાં લિંગભેદ નાબૂદ કરાયો છે. મૃતકની સંપત્તિ પર તેના પતિ/પત્ની, બાળકો અને માતા-પિતાનો સમાન અધિકાર રહેશે.
  8. વસિયતનામું (Will) બનાવવાનો કાનૂની હક: કોઈપણ માનસિક રીતે સ્વસ્થ પુખ્ત વયની વ્યક્તિ સાક્ષીઓની હાજરીમાં લેખિત વસિયતનામું બનાવીને પોતાની સંપત્તિની વહેંચણી નક્કી કરી શકશે.
  9. નોંધણી ન કરાવવા કે ખોટા દસ્તાવેજો આપવા બદલ દંડ: ઇરાદાપૂર્વક 60 દિવસમાં નોંધણી ન કરાવવા બદલ રૂ. 10,000 નો દંડ થશે. જ્યારે નોંધણી દરમિયાન ખોટા કે નકલી દસ્તાવેજો આપવા બદલ 3 મહિનાની કેદ અને રૂ. 25,000 સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
  10. લિવ-ઇન રિલેશનશિપનું રજીસ્ટ્રેશન ફરજિયાત: હવે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે પણ નોંધણી કરાવવી અનિવાર્ય રહેશે. જો નોંધણી નહીં કરાવો તો 3 મહિનાની જેલ અથવા રૂ. 10,000 નો દંડ થઈ શકે છે. તેમજ જો લિવ-ઇનની ઘોષણામાં તથ્યો છુપાવશો તો 3 મહિનાની જેલ અને રૂ. 25,000 નો દંડ થશે.

જ્યાં એકતરફ સરકાર આ કાયદાને સામાજિક સમાનતા અને મહિલા ઉત્થાન માટેનું મોટું કદમ ગણાવી રહી છે, ત્યાં બીજી તરફ વિપક્ષ અને લઘુમતી સંગઠનો આગામી દિવસોમાં આ મામલે કાનૂની અને રાજકીય લડત આપવાના સંકેતો આપી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 સેન્સેક્સ 142 અંક ઘટીને 75,868 પર બંધ, બેન્કિંગ શેરોમાં વેચવાલી વચ્ચે મેટલ અને ઓટોમાં તેજી