Filmi Twist: રૂપેરી પડદા પર નાના-મોટા રોલ કરતો, હિન્દી-ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં અભિનય કરીને પોતાની ઓળખ ઊભી કરનાર એક કલાકાર હકીકતમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો ફરાર કેદી નીકળ્યો છે. છેલ્લા ૧૨ વર્ષથી મુંબઈની માયાનગરીમાં પોલીસની નજરથી બચીને એક્ટિંગ કરી રહેલા આ આરોપીને આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસેથી હેમંત નગીનદાસ મોદી નામના આ શખ્સની ધરપકડ કરી છે.

Filmi Twist: યશરાજની ફિલ્મથી લઈને દિગ્ગજો સાથે કર્યું કામ
આરોપીની ફિલ્મી પ્રોફાઈલ જોઈને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કાયદાની આંખમાં ધૂળ નાખીને તે વર્ષો સુધી કેમેરા સામે એક્ટિંગ કરતો રહ્યો:
- તેણે આમિર ખાન સ્ટારર ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ અને રણવીર સિંહ સ્ટારર ‘જયેશભાઈ જોરદાર’ જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું.
- આ સિવાય સની દેઓલ, હિતુ કનોડિયા અને હિતેન કુમાર જેવા બોલિવૂડ અને ઢોલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે પણ તે સ્ક્રીન શેર કરી ચૂક્યો છે.
- તે મુંબઈમાં ઓળખ છુપાવીને અનેક હિન્દી-ગુજરાતી નાટકો અને વેબ સિરીઝમાં પણ સક્રિય હતો.

Filmi Twist: વર્ષ 2005નો મર્ડર કેસ અને પેરોલ જમ્પની કહાની
આ ગુનેગારની અસલી કહાની કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મ જેવી જ છે:
- વર્ષ 2005: હેમંત મોદીએ અમદાવાદના નરોડા વિસ્તારમાં એક વ્યક્તિની હત્યા કરી હતી. કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી અને તેને મહેસાણા જેલમાં મોકલાયો હતો.
- જેલ અને છૂટાછેડા: જેલમાં સજા કાપતી વખતે તે માનસિક રીતે તૂટી ગયો હતો, જેથી તેણે પોતાની પત્નીને જેલમાંથી જ છૂટાછેડા આપી દીધા હતા.
- વર્ષ 2014 (પેરોલ જમ્પ): ૨૦૧૪માં તે પેરોલ પર જેલની બહાર આવ્યો હતો. પરંતુ જેલમાં પરત ફરવાને બદલે તે ફરાર થઈ ગયો અને સીધો મુંબઈ પહોંચીને ‘સ્ટ્રગલિંગ એક્ટર’ બની ગયો.

Filmi Twist: ક્રાઇમ બ્રાન્ચે આ રીતે ગોઠવી ‘જાળ’
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વર્ષોથી વોન્ટેડ એવો આજીવન કેદનો પાકો ગુનેગાર હેમંત મોદી અમદાવાદમાં જ ક્યાંક આસપાસ છુપાયેલો છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, જૂના સ્ત્રોતો અને ગુપ્ત માહિતીના આધારે ઘી કાંટા મેટ્રો સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોતાં જ શરૂઆતમાં તેણે પોતાની અસલી ઓળખ છુપાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની કડક પૂછપરછ સામે તે ભાંગી પડ્યો અને પોતાનો ગુનો કબૂલી લીધો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
પશ્ચિમ બંગાળમાં મોટો નિર્ણય તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ફરજિયાત, શુભેન્દુ સરકારનો ઐતિહાસિક આદેશ




