Gujarat Govt’s Big Move: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટો સુધારો કર્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા, સરકારી ખર્ચ પર નિયંત્રણ લાવવા અને ટેક્નોલોજી આધારિત કાર્યપદ્ધતિને પ્રોત્સાહન આપવા માટે સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા ૧૧ કડક નિયમો ધરાવતો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ગત સપ્તાહે યોજાયેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોના આધારે આ નવી માર્ગદર્શિકા તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે.
Gujarat Govt’s Big Move: આ રહ્યા સરકારના ૧૧ નવા કડક નિયમો:

- ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ: સરકારી કામકાજ માટે જરૂરિયાત મુજબ જ પ્રવાસ કરવો. અધિકારીઓ કે કર્મચારીઓને મીટિંગ માટે રૂબરૂ બોલાવવાના બદલે ટેલિફોન, ઈ-મેઈલ અને વીડિયો કોન્ફરન્સિંગ (VC) જેવા ઓનલાઈન માધ્યમોનો ઉપયોગ કરવો.
- વિદેશ પ્રવાસ પર સંપૂર્ણ પ્રતિબંધ: અતિ અનિવાર્ય સંજોગો સિવાય કોઈપણ સરકારી વિદેશ પ્રવાસનું આયોજન કરવું નહીં. વિદેશમાં યોજાતી તાલીમ, સેમિનાર કે પરિષદોમાં ભાગ લેવાનું ટાળવું.
- અન્ય રાજ્યોની બેઠકો ઓનલાઈન: કેન્દ્ર સરકાર કે અન્ય રાજ્યોની બેઠકોમાં બને ત્યાં સુધી ઓનલાઈન માધ્યમથી જ જોડાણ કરવું. જો જવું અનિવાર્ય હોય, તો ઉચ્ચ અધિકારીઓએ બિનજરૂરી સ્ટાફને સાથે લઈ જવો નહીં.
- જિલ્લા બહારની મુસાફરી પર નિયંત્રણ: અધિકારીઓ અને કર્મચારીઓએ શક્ય હોય ત્યાં સુધી જિલ્લા બહારની મુસાફરી ટાળવી. અનિવાર્ય સંજોગોમાં પ્રવાસ માટે નિયંત્રણ અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે.
- વધારાના વાહનો જમા કરાવવા: જો કોઈ અધિકારી પાસે એકથી વધુ હોદ્દાનો (વધારાનો) હવાલો હોય, તો તેમને મળવાપાત્ર મુખ્ય એક જ વાહન રાખી શકાશે. બાકીના તમામ વધારાના સરકારી વાહનો તાત્કાલિક ‘વાહન પુલ’ (Vehicle Pool) માં જમા કરાવવાના રહેશે.
- EV અને હાઈબ્રિડ વાહનોને અગ્રતા: જે અધિકારીઓ પાસે પેટ્રોલ-ડીઝલની સાથે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) નો વિકલ્પ છે, તેઓએ ફરજિયાતપણે EV અથવા હાઈબ્રિડ મોડલનો જ ઉપયોગ કરવાનો રહેશે.
- જાહેર પરિવહન (Public Transport) નો આગ્રહ: પર્યાવરણની જાળવણી અને ઇંધણ બચત માટે અધિકારીઓ અને કર્મચારીઓએ ખાનગી કે સરકારી વાહનોનો મોહ છોડી મેટ્રો, એસ.ટી. બસ અને રેલવે જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓનો મહત્તમ ઉપયોગ કરવો.
- સરકારી કેન્ટીનમાં PNG ફરજિયાત: તમામ સરકારી કેન્ટીનોએ આગામી ૬ મહિનામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન મેળવી લેવાનું રહેશે.
- સ્વદેશી ચીજવસ્તુઓને પ્રાધાન્ય: સરકારી ખરીદીમાં સ્થાનિક ઉત્પાદનો, MSMEs અને ભારતીય મૂળની સેવાઓને જ અગ્રતા આપવા માટે ખરીદ નીતિ વધુ મજબૂત કરાશે.
- બિનજરૂરી સંગ્રહખોરી સામે જનજાગૃતિ: વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે બજારમાં ગભરાટ ફેલાઈને થતી ખરીદી કે અનાજ-ચીજવસ્તુઓની બિનજરૂરી સંગ્રહખોરી અટકાવવા જનજાગૃતિ અભિયાન ચલાવાશે.
- સાદગીપૂર્ણ અને વર્ચ્યુઅલ કાર્યક્રમો: સરકારી વિભાગો દ્વારા યોજાતા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો પ્રત્યક્ષ કરવાને બદલે વર્ચ્યુઅલ (ઓનલાઈન) પદ્ધતિથી કરવા અને કાર્યક્રમોમાં સાદગી જાળવવી.
Gujarat Govt’s Big Move: કોર્પોરેટ સેક્ટરમાં ‘વર્ક ફ્રોમ હોમ‘ લાવવા તૈયારી

રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રીએ એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે મોટા શહેરોમાં રોજિંદા ઓફિસ આવા-જવાના કારણે પેટ્રોલ અને ડીઝલનો વ્યાપક વ્યય થાય છે. આ ઇંધણ કટોકટીને પહોંચી વળવા માટે ખાનગી કંપનીઓ અને વિવિધ એસોસિયેશનો સાથે બેઠકો યોજીને કોર્પોરેટ સેક્ટરમાં શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ (Work From Home) કલ્ચરને ફરી પ્રોત્સાહન આપવા અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
Gujarat Govt’s Big Move: CM ભૂપેન્દ્ર પટેલે કાફલામાં કર્યો ધરખમ ઘટાડો: માત્ર ૨ કાર સાથે પહોંચ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અક્ષરશઃ સ્વીકારીને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્ય સરકારના નવા નિયમ મુજબ હવે માત્ર CM અને DyCMને જ કોન્વોય (મોટો કાફલો) સુવિધા મળશે, જ્યારે અન્ય મંત્રીઓને નોન-કેટેગરીમાં રખાયા છે. ખુદ રાજ્યપાલ પણ પોતાની યાત્રા ટ્રેન અને એસ.ટી. બસ મારફતે કરશે.
તાજેતરમાં જ અમરેલીના રાજુલા ખાતે ₹૨૨ કરોડના ખર્ચે બનેલા ૧૦૮ બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના લોકાર્પણ માટે મુખ્યમંત્રી સામાન્ય રીતે જોવા મળતા ૧૦થી વધુ વાહનોના લશ્કરી કાફલાને બદલે માત્ર ૨ જ કારના કાફલા સાથે પહોંચતા સમગ્ર વહીવટી આલમમાં શિસ્તનો મોટો સંદેશ ગયો છે.
Gujarat Govt’s Big Move: આ દાયકાનું સૌથી મોટું સંકટ, ઇંધણનો વપરાશ ઘટાડો: PM મોદીની દેશવાસીઓને અપીલ

પીએમ નરેન્દ્ર મોદીએ વડોદરામાં સરદારધામ-૩ ના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન દેશવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો ક્રૂડ ઓઈલ (કાચું તેલ) આયાત કરીને પૂરો કરે છે. હાલ જે પશ્ચિમ એશિયાના વિસ્તારોમાંથી ક્રૂડ મળે છે, ત્યાં યુદ્ધની ગંભીર સ્થિતિ છે. કોરોના મહામારી આ સદીનું સૌથી મોટું સંકટ હતું, તો પશ્ચિમ એશિયાનું આ યુદ્ધ આ દશકાનું સૌથી મોટું આર્થિક સંકટ બની શકે છે.
પીએમ મોદીએ નાગરિકોને અપીલ કરી છે કે:
- જ્યાં પણ શક્ય હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો.
- સોનાની બિનજરૂરી ખરીદી હાલ ટાળો.
- મેટ્રો, ઈવી બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટનો આગ્રહ રાખો.
- જે નાગરિકો પાસે કાર છે, તેઓ અન્ય લોકોને સાથે બેસાડીને ‘કાર્પૂલ’ કરે.
- સરકારી અને ખાનગી ઓફિસોમાં વર્ચ્યુઅલ મીટિંગ અને ‘વર્ક ફ્રોમ હોમ’ ને પ્રાથમિકતા આપવામાં આવે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સચિવાલયના વહીવટી માળખામાં ધરખમ ફેરફાર, 12 ઉપ સચિવોની બદલી અને અનેકને વધારાનો ચાર્જ




