Bapunagar Unrest: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. હસનપીરની દરગાહ નજીક મોબાઈલ ચોરીની શંકાના આધારે બે જૂથો સામસામે આવી ગયા હતા. પથ્થરમારા અને તીક્ષ્ણ હથિયારો વડે થયેલી આ અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Bapunagar Unrest: મોબાઈલની પૂછપરછમાં મામલો બિચક્યો
ઘટનાની વિગતો મુજબ, રખિયાલ પન્ના એસ્ટેટ પાસે રહેતા મોહમ્મદ આઝમનો નાનો ભાઈ તેનો ગુમ થયેલો મોબાઈલ શોધી રહ્યો હતો. આ દરમિયાન હસનપીરની દરગાહ પાસે હાજર મોહમ્મદ યુસુફ ઉર્ફે ટકલા સાથે મોબાઈલ અંગે પૂછપરછ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો ગરમાયો કે હથિયારો ઉછળ્યા હતા અને વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.
Bapunagar Unrest: સામસામી પોલીસ ફરિયાદ અને આક્ષેપો
- પ્રથમ પક્ષ: મોહમ્મદ આઝમે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, યુસુફ ઉર્ફે ટકલાએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આઝમના ખભા પર અને તેના નાના ભાઈના હાથ તેમજ આંગળીઓમાં છરીના ગંભીર ઘા વાગ્યા છે.
- બીજો પક્ષ: સામા પક્ષે મોહમ્મદ યુસુફે વળતી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તે તેના પુત્ર સાથે ઉભો હતો ત્યારે આઝમ અને તેના ભાઈએ ઝઘડો શરૂ કરી લાકડાના દંડા અને પથ્થર વડે તેના માથામાં ફટકો માર્યો હતો, જેના કારણે તેને સિવિલ હોસ્પિટલમાં ટાંકા લેવા પડ્યા છે.
Bapunagar Unrest: ઈજાગ્રસ્ત શ્રમિકની ન્યાય માટે આજીજી
આ અથડામણમાં ભોગ બનેલા અન્ય એક યુવક મોહમ્મદ શજાન કુરેશીએ ગંભીર આક્ષેપો કર્યા છે. શજાનના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ તેના કામના સ્થળે આવી છરી વડે હુમલો કરતા તેના હાથની નસો કપાઈ ગઈ છે અને હાડકામાં સળિયો નંખાવવો પડ્યો છે. તેણે આક્ષેપ કર્યો છે કે આરોપીઓ વગદાર હોવાથી પોલીસ નક્કર કાર્યવાહી કરી રહી નથી.
પોલીસ કાર્યવાહી
બાપુનગર પોલીસે આ હિંસક અથડામણ બાદ બંને જૂથોની ફરિયાદો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિસ્તારમાં ફરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
PM મોદીની અપીલ ‘ભારત પાસે તેલના કૂવા નથી, પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડો; વર્ક ફ્રોમ હોમ અપનાવો’




