Gujarat Govt Decision: ગુજરાતમાં હાલમાં સર્જાયેલી ગેસ પુરવઠાની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે કમર કસી છે. વર્ષ 2026-27ના અંદાજપત્રની જાહેરાત વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી મોટો નિર્ણય એ છે કે જે ગ્રાહકો પાસે PNG (પાઈપ લાઈન) અને LPG (સિલિન્ડર) એમ બંને સુવિધા છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન જમા કરાવવું પડશે.
Gujarat Govt Decision: સિલિન્ડરના પુરવઠામાં 20%નો વધારો

અધિક મુખ્ય સચિવ મોના ખંધારે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં ઘરેલુ LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સામાન્ય કરતાં 20% વધુ પુરવઠો ફાળવવામાં આવ્યો છે. જોકે, PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં હવે PNG ને પ્રાથમિકતા આપવામાં આવશે.
Gujarat Govt Decision: મહત્વના સરકારી નિર્ણયો અને ફાળવણી:
સરકારે વિવિધ ક્ષેત્રો માટે LPGના વપરાશની મર્યાદા (કેપ) નક્કી કરી છે:
- કેરોસીન વિતરણ: ગ્રામ્ય વિસ્તારો માટે વધારાના વિકલ્પ તરીકે 14.52 લાખ લિટર કેરોસીન ફાળવાયું છે. દરેક જિલ્લાને 36 હજાર લિટર જથ્થો મળશે, જેમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થા દીઠ 25 લિટર કેરોસીન આપવામાં આવશે.
- આવશ્યક સેવાઓ: હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓને 100% પુરવઠો મળશે, જ્યારે ફાર્મા, ડેરી અને રેલવે કેન્ટીન જેવા ક્ષેત્રોને 70% પુરવઠો અપાશે.
- ધાર્મિક સંસ્થાઓ: એક વર્ષથી સતત ભોજન સેવા આપતી સંસ્થાઓને 10% મર્યાદામાં કોમર્શિયલ LPG કનેક્શન અપાશે.
Gujarat Govt Decision: બુકિંગ માટેના નવા નિયમો
સર્વર પરનો ભાર ઘટાડવા અને સમાન વિતરણ માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા છે:
- શહેરી વિસ્તાર: બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર રાખવું પડશે.
- ગ્રામીણ વિસ્તાર: બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે 45 દિવસનું અંતર અનિવાર્ય છે.
ગેરરીતિ રોકવા કડક દેખરેખ

ગેસ એજન્સીઓ પર દેખરેખ રાખવા માટે રેવન્યૂ અને પોલીસ વિભાગના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. છેલ્લા 12 દિવસમાં રાજ્યભરમાં સેંકડો સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી કાળાબજાર અટકાવી શકાય.
સરકારની નાગરિકોને અપીલ: > ગેસની બચત કરવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરવો, કઠોળ પલાળીને રાંધવા અને સોલર કુકર જેવા વૈકલ્પિક સ્ત્રોતો અપનાવવા. ઉપરાંત, ACનું તાપમાન 25°C કે તેથી વધુ રાખવા અને પેટ્રોલ-ડીઝલની બચત માટે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.
હેલ્પલાઇન નંબર: LPG સંબંધિત કોઈ પણ પ્રશ્ન માટે નાગરિકો 1800-232-0222 પર સંપર્ક કરી શકે છે.




