Surat news: રવિવારની વહેલી સવારે સુરતના પુણા વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. માર્કેટના બેઝમેન્ટમાં લાગેલી આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે રવિવારની રજા હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
Surat news: ધુમાડાના સામ્રાજ્ય વચ્ચે ‘બ્રિગેડ કોલ’

આગ માર્કેટના પ્રથમ બેઝમેન્ટમાં આવેલા ઇલેક્ટ્રિક વાયરિંગ અને મીટર પેટીમાં લાગી હતી. ત્યાં પડેલા લાકડાના સામાનને કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને તેનો કાળો પ્રચંડ ધુમાડો પાંચમા માળ સુધી પહોંચી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ચીફ ફાયર ઓફિસર દ્વારા તાત્કાલિક ‘બ્રિગેડ કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો.
Surat news: 20થી વધુ ફાયર ટેન્ડરોની જહેમત
ઘટનાની જાણ થતા જ શહેરના અલગ-અલગ 5 ફાયર સ્ટેશનથી 20થી 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ધુમાડો એટલો ઘાટ્ટો હતો કે ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. અંદાજે બે કલાકના ભારે પાણીના મારા બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો.

Surat news: શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક અનુમાન
ડિવિઝનલ ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢના જણાવ્યા અનુસાર, “આગ બેઝમેન્ટના વાયરિંગ અને વીજ મીટરોમાં લાગી હતી. વાયરિંગ બળવાને કારણે ધુમાડો વધુ થયો હતો, જેનાથી એવું લાગતું હતું કે આખી બિલ્ડિંગમાં આગ પ્રસરી છે.” પ્રાથમિક દ્રષ્ટિએ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે, જોકે ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે.
કોઈ જાનહાનિ નહીં
રવિવાર હોવાથી માર્કેટમાં વેપારીઓ કે કર્મચારીઓની અવરજવર નહોતી, જેના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે.




