Manipur Gets New Government: મણિપુરમાં લાંબા સમયથી ચાલતા રાજકીય અનિશ્ચિતતા બાદ રાજ્યને નવી સરકાર મળી છે. ભાજપના નેતા યુમનામ ખેમચંદ સિંહે મણિપુરના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ ઇમ્ફાલ સ્થિત લોકભવનમાં તેમને શપથ લેવડાવ્યા. આ સાથે રાજ્યમાં ફરી એકવાર NDAની સરકાર રચાઈ છે.
નગા સમુદાયમાંથી આવતા નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ના ધારાસભ્ય લોસી દિખોને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે કુકી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નેમચા કિપગેને પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. નેમચા કિપગેને દિલ્હી સ્થિત મણિપુર ભવનથી વીડિયો કોન્ફરન્સ મારફતે શપથ લીધા હતા. તેઓ મણિપુરના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
Manipur Gets New Government: રાષ્ટ્રપતિ શાસન હટતા સરકાર રચનાનો માર્ગ ખુલ્યો

આજે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મણિપુરમાં 356 દિવસથી લાગુ રાષ્ટ્રપતિ શાસન હટાવ્યું હતું. મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે ફાટી નીકળેલી વંશીય હિંસાને કારણે 9 ફેબ્રુઆરી 2025ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી એન. બિરેન સિંહે રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ 13 ફેબ્રુઆરી 2025થી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું.
Manipur Gets New Government: દિલ્હી બેઠકમાં ખેમચંદ સિંહના નામ પર સહમતિ
3 ફેબ્રુઆરીએ દિલ્હીમાં યોજાયેલી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 4 ફેબ્રુઆરીએ NDAના ઘટક પક્ષોની બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામો પર અંતિમ મહોર લાગી.
Manipur Gets New Government: મધ્યમમાર્ગી છબી ધરાવતા ખેમચંદ સિંહ
ઈમ્ફાલ વેસ્ટના સિંગજામેઈ વિસ્તારથી ભાજપના ધારાસભ્ય રહેલા યુમનામ ખેમચંદ સિંહ 2017થી 2022 દરમિયાન મણિપુર વિધાનસભાના સ્પીકર રહી ચૂક્યા છે. 2022માં બિરેન સિંહની બીજી સરકારમાં મંત્રી તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી.
મૈતેઈ સમુદાયમાંથી આવતા હોવા છતાં તેમને કટ્ટર નહીં પરંતુ મધ્યમમાર્ગી નેતા તરીકે જોવામાં આવે છે. મે 2023ની હિંસા બાદ ડિસેમ્બર 2025માં કુકી બહુમતી વિસ્તારો અને રાહત શિબિરોની મુલાકાત લેનારા તેઓ પ્રથમ મેઇતેઇ નેતા હતા.
નેમચા કિપગેનનો રાજકીય અનુભવ

નાયબ મુખ્યમંત્રી બનેલા નેમચા કિપગેન અગાઉ બિરેન સિંહ સરકારમાં સામાજિક કલ્યાણ, સહકાર, વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. મૈતેઈ-કુકી હિંસા દરમિયાન ઇમ્ફાલમાં તેમનું સરકારી આવાસ સળગાવી દેવામાં આવ્યું હતું. તેઓ પહાડી વિસ્તારો માટે અલગ વહીવટની માંગ કરનાર 10 કુકી-જો ધારાસભ્યોમાં સામેલ રહ્યા છે.
વિધાનસભાની હાલની સ્થિતિ
60 સભ્યોની મણિપુર વિધાનસભામાં ભાજપ પાસે હાલ 37 ધારાસભ્યો છે. સરકારનો કાર્યકાળ 2027 સુધીનો છે. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન વિધાનસભાને સ્થગિત કરવામાં આવી હતી.
કુકી-મૈતેઈ હિંસાના મુખ્ય કારણો
મણિપુરમાં થયેલી હિંસાના મુખ્ય કારણોમાં મૈતેઈ સમુદાય માટે ST દરજ્જાની માંગ, કુકી સમુદાયની અલગ વહીવટની માંગ અને ડ્રગ્સ તસ્કરીના આરોપો સામેલ છે. આ મુદ્દાઓને લઈને બંને સમુદાય વચ્ચે ઊંડો અવિશ્વાસ સર્જાયો છે.
નવી સરકાર સામે સૌથી મોટો પડકાર રાજ્યમાં શાંતિ, વિશ્વાસ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાનો રહેશે. સરકાર દ્વારા આ દિશામાં લેવાતા પગલાં પર સમગ્ર દેશની નજર રહેશે.
આ પણ વાંચો : રેલવેની મોટી ભેટ: 10 રાજ્યોના 17 શહેરોને જોડતી 20 નવી ટ્રેનો શરૂ, મુસાફરોને મળશે મોટી રાહત




