Congo Landslide:કોંગોમાં ભૂસ્ખલનથી 200થી વધુ શ્રમિકોના મોત, વિશ્વભરના સ્માર્ટફોન–લેપટોપ ઉદ્યોગ પર સંકટની ચિંતા

0
161
Congo Landslide
Congo Landslide

Congo Landslide:આફ્રિકી દેશ કોંગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલને ભયાનક માનવસર્જિત આફત ઊભી કરી છે. કોંગોના કિવુ પ્રાંતમાં આવેલી રૂબાયા કોલ્ટન ખાણમાં બે દિવસમાં બે વખત ભૂસ્ખલનની ઘટના સર્જાતા 200થી વધુ શ્રમિકોના મોત થયા છે. ઘટનાસ્થળે હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે અને કીચડ નીચે અનેક લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, 28 જાન્યુઆરીના રોજ ભારે વરસાદ બાદ પહાડનો એક ભાગ તૂટી પડતા પ્રથમ ભૂસ્ખલનની ઘટના બની હતી. ત્યારબાદ 29 જાન્યુઆરીના રોજ ફરી એક વખત ભૂસ્ખલન થયું, જેના કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ. સતત વરસતા વરસાદને કારણે ખાણ વિસ્તારમાં ભારે કીચડ અને અસ્થિર પરિસ્થિતિ સર્જાઈ છે.

Congo Landslide

Congo Landslide:મિલિશિયા ગ્રૂપના કબજામાં આવેલી ખાણ

રૂબાયા કોલ્ટન ખાણ હાલ સશસ્ત્ર બળવાખોર જૂથ M23 મિલિશિયાના કબજામાં હોવાનું જણાવવામાં આવ્યું છે. અધિકારીઓ તેમજ બળવાખોરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ દિવસથી ઘટના સ્થળે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જોકે કીચડ અને વરસાદના કારણે રેસ્ક્યૂમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

Congo Landslide:શ્રમિકો, મહિલાઓ અને બાળકો ભોગ બન્યા

ભૂસ્ખલન સમયે ખીણમાં હાથથી કોલ્ટન કાઢતા શ્રમિકો કામ કરી રહ્યા હતા. મૃતકોમાં શ્રમિકો ઉપરાંત બાળકો અને નજીકના બજારમાં શાકભાજી વેચતી મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ઘટનામાં કેટલાક લોકો બચી ગયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

રૂબાયા ખીણ વિશ્વ માટે કેમ મહત્વપૂર્ણ?

ગોમા શહેરથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલી રૂબાયા ખીણ વિશ્વભરના ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ માટે અત્યંત મહત્વની ગણાય છે. અહીંથી મળતું કોલ્ટન (કોલંબાઈટ-ટેન્ટલાઈટ)માંથી ટેન્ટલમ મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ સ્માર્ટફોન, લેપટોપ, કોમ્પ્યુટર, એરક્રાફ્ટ એન્જિન અને અન્ય અદ્યતન ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં થાય છે.

વિશ્વની કુલ જરૂરિયાતમાંથી અંદાજે 15થી 30 ટકા કોલ્ટનનો સપ્લાય આ જ વિસ્તારમાંથી થતો હોવાનું મનાય છે. હાલ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓને કારણે કોલ્ટનના ઉત્પાદન અને સપ્લાય પર ગંભીર અસર પડી શકે છે, જેના કારણે વિશ્વભરના સ્માર્ટફોન અને લેપટોપ ઈન્ડસ્ટ્રીને ફટકો પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મૃત્યુઆંક વધવાની ભીતિ

હજી પણ કીચડ નીચે અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. રેસ્ક્યૂ ટીમો સતત કામગીરી કરી રહી છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર હોવાના કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

આ પણ વાંચો :Rajkot Tragedy: રાજકોટમાં વંદે ભારત ટ્રેનની અડફેટે 3 યુવકો આવ્યા, 2નાં મોત, 1 ગંભીર