Rajkot Tragedy: રાજકોટમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની અડફેટે ત્રણ યુવકો આવી જતા બે યુવકોના મોત થયા છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ ગમખ્વાર ઘટના ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલધારી ફાટક નજીક બની હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે 2 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે વંદે ભારત ટ્રેન તેના નિર્ધારિત રૂટ પર તેજ ગતિએ પસાર થઈ રહી હતી. તે દરમિયાન અચાનક ત્રણ યુવકો ટ્રેક પાસે આવી ગયા અને ટ્રેનની અડફેટે આવી ચડ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેનને તાત્કાલિક ઉભી રાખવી પડી હતી.
આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે ત્રીજો યુવક હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

Rajkot Tragedy: મૃતકો અને ઈજાગ્રસ્ત
મૃતકો:
• સંદીપભાઈ (ઉંમર 23) – સારવાર દરમિયાન મોત
• એક યુવક – ઘટનાસ્થળે મોત
ઈજાગ્રસ્ત:
• કપિલભાઈ પટેલ (ઉંમર 19) – ગંભીર હાલતમાં સારવાર ચાલુ
Rajkot Tragedy: રીલ અને સેલ્ફી લેતી વખતે અકસ્માતની આશંકા
પ્રાથમિક માહિતી મુજબ, ત્રણેય પરપ્રાંતીય યુવકો કારખાનામાં મજૂરી કામ કરતા હતા. ટ્રેન આવતી હોય તેવી રીલ કે સેલ્ફી બનાવવાની કોશિશ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ બાબતે સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી.
108 અને પોલીસ દોડી ગઈ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાજકોટ 108ના અધિકારી કીર્તનભાઈ પરમારે જણાવ્યું હતું કે, કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. એક યુવકને ત્યાં જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે બે ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત થયું છે.
અકસ્માત કે આત્મહત્યાનો પ્રયાસ? તપાસ શરૂ
આ ઘટનાને લઈને રાજકોટ RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) ના DSC દ્વારા ગંભીર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ હાલ તપાસ કરી રહી છે કે આ ઘટના માત્ર અકસ્માત છે કે પછી સામુહિક આત્મહત્યાનો પ્રયાસ. ઘટનાસ્થળે પંચનામું સહિતની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.




