Global Tensions:બોલિવૂડની ફિલ્મોમાં કટોકટીની પરિસ્થિતિ માટે બોલાતો સંવાદ — “આખિર વહી હુઆ જિસ કા ડર થા” — હાલ વૈશ્વિક રાજકારણ પર સચોટ રીતે લાગુ પડે છે. અમેરિકા દ્વારા વેનેઝુએલાથી રશિયા જઈ રહેલા રશિયન ઓઇલ ટેન્કરને જપ્ત કરાતા અમેરિકા અને રશિયા આમને-સામને આવી ગયા છે, જેના કારણે વૈશ્વિક તંગદિલી જોખમી સ્તરે પહોંચી ગઈ છે.
યુક્રેન-રશિયા યુદ્ધ પહેલેથી જ ચાલુ છે ત્યારે આ ઘટનાએ નવી વૈશ્વિક ચિનગારી ભભૂકવાની આશંકા ઊભી કરી છે. નિષ્ણાતો માને છે કે આ પગલું યુક્રેન યુદ્ધને લઈ અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવને વધુ ખતરનાક દિશામાં લઈ જઈ શકે છે.

Global Tensions:અઠવાડિયાઓ સુધી ચાલેલી સમુદ્રી ઘેરાબંધી
ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં અઠવાડિયાઓ સુધી ચાલેલા તણાવપૂર્ણ ડ્રામા બાદ અમેરિકન નેવી અને કોસ્ટ ગાર્ડે રશિયન ઝંડાવાળું ઓઇલ ટેન્કર ‘મરીનેરા’ સફળતાપૂર્વક જપ્ત કર્યું છે. આ ઉપરાંત એક બીજું રશિયન ટેન્કર પણ અમેરિકાએ પોતાના કબજામાં લીધું હોવાનું જાણવા મળ્યું છે.
વિશેષ વાત એ છે કે આ સમગ્ર ઓપરેશન દરમિયાન રશિયન યુદ્ધજહાજો અને સબમરીનની હાજરી હોવા છતાં અમેરિકાએ કોઈ સંકોચ વિના કાર્યવાહી કરી, જેનાથી વૈશ્વિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે

Global Tensions:પ્રતિબંધોના ભંગનો આરોપ
અમેરિકાના યુરોપિયન કમાન્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે વેનેઝુએલાના ઓઇલ વેપાર સાથે જોડાયેલા આ રશિયન ટેન્કર સામે ફેડરલ કોર્ટના વોરંટના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકા મુજબ ટેન્કર દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો ભંગ કરવામાં આવ્યો હતો.
અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે આ ઓપરેશન રાતોરાત શક્ય બન્યું નથી. ટેન્કરને અઠવાડિયાઓ સુધી સેટેલાઇટ અને એર સર્વેલન્સ મારફતે ટ્રેક કરવામાં આવ્યું હતું.
Global Tensions:ઓળખ છુપાવવાનો પ્રયાસ
જપ્ત કરાયેલા ટેન્કરે અમેરિકન કોસ્ટ ગાર્ડના વારંવારના આદેશોને અવગણ્યા હતા. તપાસ માટે જહાજ પર ચઢવાની વિનંતી પણ ટેન્કરે સ્વીકારી ન હતી. પકડાઈ જવાની ભીતિએ જહાજે સમુદ્રમાં પોતાની ઓળખ છુપાવવા માટે ઝંડો અને રજિસ્ટ્રેશન પણ બદલી નાખ્યા હતા.
આ દરમિયાન આંતરરાષ્ટ્રીય જાસૂસી અહેવાલોમાં ખુલાસો થયો કે ટેન્કરના માર્ગની આસપાસ રશિયન લશ્કરી હલચલ વધી રહી છે, જેના કારણે સમગ્ર ઓપરેશન વધુ સંવેદનશીલ બની ગયું હતું.
બ્રિટનની મહત્ત્વની ભૂમિકા
આ પડકારજનક ઓપરેશનમાં બ્રિટનનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો. બ્રિટને લોન્ચપેડ તરીકે કામગીરી બજાવી અને પોતાની જમીન તથા એરપોર્ટનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી.
જ્યારે ટેન્કર આઇસલેન્ડ અને બ્રિટન વચ્ચેના માર્ગ પરથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે રોયલ બ્રિટિશ એરફોર્સના વિમાનો તેની સતત નજર રાખી રહ્યા હતા અને અમેરિકન લશ્કરને ચોક્કસ માહિતી પહોંચાડી રહ્યા હતા.
રશિયા વીફર્યુ: “સમુદ્રમાં ખુલ્લી લૂંટ”

અમેરિકાની આ કાર્યવાહી પર રશિયાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. રશિયન વિદેશ મંત્રાલયે આરોપ લગાવ્યો કે અમેરિકા સમુદ્રમાં ખુલ્લી લૂંટ ચલાવી રહ્યું છે.
રશિયાએ સવાલ કર્યો કે અમેરિકાના તટથી ચાર હજાર કિ.મી. દૂર અમેરિકન કાયદો કેવી રીતે લાગુ પડી શકે? 1982ના સંયુક્ત રાષ્ટ્રના સમુદ્ર કાનૂન હેઠળ કોઈ દેશને બીજા દેશના રજિસ્ટર્ડ જહાજ સામે બળપ્રયોગ કરવાનો અધિકાર નથી, તેમ રશિયાએ જણાવ્યું.
આ સાથે જ રશિયાએ જપ્ત કરાયેલા ટેન્કર પર રહેલા પોતાના નાગરિકો સાથે સન્માનજનક વર્તણૂક કરવાની ખાતરી પણ માગી છે.
વૈશ્વિક રાજકારણમાં નવી ચિંતા
વિશ્લેષકો માને છે કે આ ઘટના બાદ અમેરિકા-રશિયા સંબંધો વધુ તણાવપૂર્ણ બની શકે છે. જો રશિયા પ્રતિશોધાત્મક પગલાં ભરે તો વૈશ્વિક તંગદિલી નવા જ સ્તરે પહોંચે તેવું નકારવામાં આવી શકતું નથી.




