Indians Deported Worldwide: વિઝા અને દસ્તાવેજોની કડકાઈ, વિદેશોમાંથી 24,600 ભારતીયો ડિપોર્ટ  

0
108
Deported
Deported

Indians Deported Worldwide:  છેલ્લા એક વર્ષ દરમિયાન વિદેશોમાંથી ભારતીયોની હકાલપટ્ટીનું ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું છે. રાજ્યસભામાં વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા અહેવાલ મુજબ, અમેરિકા નહીં પરંતુ સાઉદી અરબે સૌથી વધુ 11,000 ભારતીયોને દેશ બહાર કાઢ્યા છે, જ્યારે દુનિયાના કુલ 81 દેશોમાંથી 24,600થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ, આ સમયગાળા દરમિયાન અમેરિકાએ અંદાજે 3,800 ભારતીયોને હકાલપટ્ટી કરી છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ સંખ્યા ગણાય છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે બીજા કાર્યકાળની સત્તા સંભાળ્યા બાદ ગેરકાયદે વસાહતીઓ સામે કડક કાર્યવાહી શરૂ થતા ભારતીયો પર તેની અસર જોવા મળી છે.

Indians Deported Worldwide

Indians Deported Worldwide:  ખાડી દેશોમાં કેમ થાય છે વધુ હકાલપટ્ટી?

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ખાડી દેશોમાંથી ભારતીયોને કાઢી મૂકવાના મુખ્ય કારણોમાં

  • વિઝાની મુદત પૂરી થયા બાદ પણ રહેવું
  • મંજૂરી વગર કામ કરવું
  • શ્રમ કાયદાનો ભંગ
  • એમ્પ્લોયરને છોડી બીજે ગેરકાયદે કામ કરવું
  • નાગરિક અથવા ગુનાહિત કેસોમાં સંડોવણી

આ કારણો સૌથી વધુ જવાબદાર છે. ખાસ કરીને સાઉદી અરબ, યુએઈ, બહરીન અને મલેશિયામાં આવા કેસો વારંવાર સામે આવે છે.

Indians Deported Worldwide:  અમેરિકામાં ટ્રમ્પ સરકારની કડકાઈ

નિષ્ણાતોનું માનવું છે કે અમેરિકામાંથી ભારતીયોની વધતી હકાલપટ્ટી પાછળ ટ્રમ્પ સરકાર દ્વારા વિઝા, દસ્તાવેજો, વર્ક ઓથોરિટી અને ઓવરસ્ટે અંગે કરવામાં આવેલી આકરી તપાસ મુખ્ય કારણ છે. અહેવાલ મુજબ વોશિંગ્ટન ડીસીમાંથી 3,414 અને હ્યૂસ્ટનમાંથી 234 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા.

Indians Deported Worldwide:  ખાડી દેશોમાં ભારતીય કામદારોની સ્થિતિ

Indians Deported Worldwide

નિષ્ણાતો જણાવે છે કે મોટી સંખ્યામાં ભારતીયો રોજગાર માટે ખાડી દેશોમાં જાય છે. મોટા ભાગે તેઓ બાંધકામ ક્ષેત્રમાં મજૂર, સુપરવાઇઝર અથવા ઘરેલુ નોકર તરીકે કામ કરે છે. સ્થાનિક કાયદા અંગે અજ્ઞાનતા અને એજન્ટો દ્વારા ખોટી માહિતી આપવી પણ હકાલપટ્ટીનું કારણ બને છે.

તેલંગાણા સરકારની અનિવાસી પ્રવાસી સલાહકાર સમિતિના ઉપાધ્યક્ષ ભીમા રેડ્ડીના જણાવ્યા અનુસાર, વધુ કમાણીની લાલચમાં કેટલાક કામદારો નાના-મોટા ગુનામાં ફસાઈ જાય છે, જેના કારણે તેમને દેશ બહાર કાઢવામાં આવે છે.

મ્યાંમાર-કંબોડિયામાં સાયબર ગુલામી

મ્યાંમાર અને કંબોડિયા જેવા દેશોમાં ભારતીયોની હકાલપટ્ટીનું કારણ અલગ છે. અહીં મોટા ભાગે સાયબર ગુલામી સાથે જોડાયેલા કેસો જોવા મળે છે. ઊંચા પગારની નોકરીની લાલચ આપીને ભારતીયોને ત્યાં લઈ જઈ ગેરકાયદે સાયબર ક્રાઈમ કરાવવામાં આવે છે, બાદમાં પોલીસ દ્વારા ધરપકડ કરીને તેમને ડિપોર્ટ કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓની હકાલપટ્ટીમાં બ્રિટન ટોચ પર

અહેવાલ મુજબ, વર્ષ 2025 દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ બ્રિટનમાંથી પરત મોકલવામાં આવ્યા છે.

  • બ્રિટન: 170
  • ઓસ્ટ્રેલિયા: 114
  • રશિયા: 82
  • અમેરિકા: 45

ભારતીયોને ડિપોર્ટ કરનારા ટોચના દેશો

  • સાઉદી અરબ – 11,000
  • અમેરિકા – 3,800
  • મ્યાંમાર – 1,591
  • મલેશિયા – 1,485
  • યુએઈ – 1,469
  • બહરીન – 764
  • થાઈલેન્ડ – 481
  • કંબોડિયા – 305
  • બ્રિટન (વિદ્યાર્થી) – 170

નિષ્ણાતો અને સરકારી એજન્સીઓનું માનવું છે કે વિદેશ જવા પહેલાં ભારતીયોએ વિઝા નિયમો, સ્થાનિક કાયદા અને સમયમર્યાદા અંગે સંપૂર્ણ જાણકારી રાખવી અત્યંત જરૂરી છે, નહીં તો હકાલપટ્ટી જેવી કઠિન સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો :Dulhasti Power Project:સિંધુ જળ સંધિ રદ બાદ ભારતનો વધુ એક મોટો નિર્ણય, ચિનાબ નદી પર બીજા પ્રોજેક્ટને મંજૂરી