Kanti Amrutiya :મોરબી ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાએ ભ્રષ્ટાચાર અને વચેટિયાઓ સામે કડક વલણ અપનાવતા મોરબીમાં જાહેર મંચ પરથી મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કાર્યકરો અને સામાન્ય જનતાને સ્પષ્ટ અપીલ કરી હતી કે, કોઈપણ સરકારી કામ માટે દલાલો કે વચેટિયાઓનો સહારો લેવાને બદલે સીધા સચિવાલયનો સંપર્ક કરવો.
મંત્રી અમૃતિયાએ કહ્યું હતું કે, “તમારું કોઈપણ કામ હોય તો નિઃસંકોચ સચિવાલય આવો, પરંતુ વચ્ચે કોઈ દલાલ રાખશો નહીં. સરકાર જનતાના કામ માટે છે, દલાલો માટે નહીં.”

Kanti Amrutiya : ‘હું બીમાર છું, પણ મારો કાર્યકર બીમાર નથી’ – ભાવુક સંદેશ
ઉલ્લેખનીય છે કે મંત્રી કાંતિ અમૃતિયા હાલ અન્નનળીના કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને મુંબઈમાં તેમની સારવાર ચાલી રહી છે. આ કારણે તેઓ હાલ રૂબરૂ મુલાકાતીઓને મળી શકતા નથી. તેમ છતાં જનતાના કામ અટકી ન જાય તે માટે તેમણે સચિવાલયમાં ખાસ વ્યવસ્થા ગોઠવી હોવાનું જણાવ્યું.
ભાવુક સ્વરે મંત્રીએ કહ્યું,
“ભલે હું અત્યારે બીમાર હોઉં, પરંતુ મારો કાર્યકર બીમાર નથી. તમારા પ્રશ્નો અને કામ માટે સીધા સચિવાલય આવજો, તમારા કામ ચોક્કસ સાંભળવામાં આવશે.”
Kanti Amrutiya :સચિવાલયમાં વચેટિયાઓ સક્રિય હોવાની આડકતરી સ્વીકૃતિ?

મંત્રીના આ નિવેદન બાદ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. જાણકારોનું માનવું છે કે, આ નિવેદન દ્વારા મંત્રીએ આડકતરી રીતે સ્વીકાર્યું છે કે સચિવાલય અને સરકારી કચેરીઓમાં હજુ પણ વચેટિયાઓ સક્રિય છે.
ઘણાં વખત સામાન્ય લોકો સરકારી કામ માટે જાય ત્યારે ભ્રષ્ટ અધિકારીઓ અને દલાલોની સાંઠગાંઠના કારણે કામ અટકતા હોવાના આક્ષેપો થતા રહ્યા છે, જેના કારણે લોકોને નાછૂટકે પૈસા ખર્ચવા પડે છે.
Kanti Amrutiya :ભ્રષ્ટાચાર સામે સરકારનું કડક વલણ
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઈડરમાં ભાજપના એક સ્થાનિક નેતા લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના સામે આવી હતી. નવી સરકારની રચના બાદ સચિવાલયમાં ફરીથી વચેટિયાઓની સક્રિયતા વધી હોવાની ફરિયાદો વચ્ચે એક જવાબદાર મંત્રી દ્વારા આવું સ્પષ્ટ નિવેદન કરવું તે ભ્રષ્ટાચાર સામેના સંકેતરૂપ પગલાં તરીકે જોવામાં આવી રહ્યું છે.મંત્રી કાંતિ અમૃતિયાનું આ નિવેદન આગામી દિવસોમાં વહીવટી તંત્ર પર કેટલો પ્રભાવ પાડે છે, તે જોવાનું રહ્યું.




