Ahmedabad News: અમદાવાદના કમલ તળાવમાં દબાણ હટાવવાની કાર્યવાહી, 150થી વધુ મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

0
270
Ahmedabad News
Ahmedabad News

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારે કુબેરનગર ITI રોડ પર આવેલા કમલ (ઉમલા) તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સ્થાનિક પોલીસના બંદોબસ્ત સાથે આશરે 150 જેટલા દબાણો તોડી પાડવામાં આવ્યા, જેના કારણે વિસ્તારમા હડકંપ મચી ગયો હતો.

Ahmedabad News

Ahmedabad News: સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો

ડિમોલિશનની કાર્યવાહી શરૂ થતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોતાના ઘર આંખો સામે તૂટતાં જોઈને મહિલાઓ રડી પડ્યાં હતાં, જ્યારે કેટલાક લોકો બેભાન પણ થયા હોવાની ઘટના સામે આવી છે. પુરુષો અને બાળકોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. ડિમોલિશન દરમિયાન ઘણા પરિવારો બેઘર બનતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

Ahmedabad News

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં દબાણો દૂર ન કરવામાં આવતા આજે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શાંતિ જળવાઈ રહે તે માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે તેઓ વૈકલ્પિક વ્યવસ્થા મળવાની શરતે સ્થળ ખાલી કરવા તૈયાર છે. તેમનું કહેવું છે કે “અમે બીજે જવા તૈયાર છીએ, પરંતુ અમને કોઈ વિકલ્પી મકાન કે પુનર્વસન આપવામાં આવ્યું નથી.” સ્થાનિકોએ તાત્કાલિક પુનર્વસનની માગ ઊઠાવી છે.

Ahmedabad News: મંદિરની બાજુમાં બે માળનો મોટો બંગલો

Ahmedabad News

કમલ તળાવ વિસ્તારમાં મંદિરની બાજુમાં બનાવવામાં આવેલો બે માળનો મોટો બંગલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. આ બંગલો તળાવનો સૌથી મોટો દબાણ હોવાનું કહેવાઈ રહ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને આ બંગલો તોડી પાડવામાં વધુ મહેનત કરવી પડી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આ બંગલો બનાવવામાં આવ્યો હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને કુદરતી જળાશયનું સંરક્ષણ કરવું જરૂરી છે અને આવનારા સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો :Delhi news :ગાઢ ધુમ્મસથી દિલ્હી–મુંબઈ હાઈવે પર હાહાકાર, 30 અકસ્માતોમાં ચારનાં મોત; દિલ્હીમાં AQI 493