Loksabha election 2024 BJP ભાજપમાં એક પછી એક કોંગ્રેસી નેતાઓ જોડાઈ રહ્યા છે અને કોંગ્રેસ એટલે કે વિરોધપક્ષનો ગુજરાતમાંથી સફાયો થઈ રહ્યો છે. એક તરફ ભાજપ સતત વિપક્ષને ખતમ કરવા તરફ આગળ વધી રહ્યો છે તો બીજી બાજુ કોંગ્રેસના નેતાઓની સાથે સાથે કોંગ્રેસમાં રહેલી કેટલીક બદીઓ પણ ભાજપમાં જાણે આવી રહી હોય તેમ લાગી રહ્યુ છે. અત્યારસુધી શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટીમાં પણ હવે ઠેર ઠેરથી વિરોધના સૂર ઊઠી રહ્યા છે જે અત્યાર સુધી માત્ર કોગ્રેસમાં જ જોવા મળતા હતા.
Loksabha election 2024 ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો ભૂતકાળમાં અનેક એવા દાખલા સામે આવ્યા છે કે જેમાં CONGRESS કોંગ્રેસના જૂથવાદના કારણે જાહેર થયેલા ઉમેદવારોના નામ સામે વિરોધ પ્રદર્શિત કરવા ગધેડાને કોંગ્રેસ કાર્યાલય સમક્ષ ઊભા કરી દેવાયા હોય. પ્રદેશ કોંગ્રેસમાં વર્ષોથી પેસી ગયેલા જૂથવાદના પગલે પ્રત્યેક જૂથનો નેતા તેના જૂથના કાર્યકર્તા કે નેતાને ટિકીટ ફાળવાય તેવા પ્રયાસો કરે અને અંતે વિરોધના સૂર છેડાય.
Loksabha election 2024 પક્ષપલટુઓને મળતા સ્થાનથી ભાજપના અસલી કાર્યકર્તાઓની આંતરડી કકળી
અત્યારસુધી માત્ર કોંગ્રેસમાં CONGRESS જ આવી વિરોધની ભાંજગડ જોવા મળતી હતી અને ભાજપ BJP શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હતી. ભાજપ માટે હંમેશા કહેવાય છે કે ભાજપમાં માત્ર એક જ વ્યક્તિ એટલે કે નરેન્દ્ર મોદી બોલે છે અને બાકીના બધા સાંભળે છે. હાઈકમાન્ડ તરફથી લેવાયેલા નિર્ણય સામે એક હરફ ઉચ્ચારવાની હિંમત અત્યારસુધી ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓમાં હતી નહી. પણ છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો ભાજપમાં પણ વિરોધના વંટોળ ઉઠવા લાગ્યા છે.
અગાઉની મહાનગરપાલિકાની ચૂટણીની જ વાત લઈએ તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કેટલાય નિયમો સાથે ઉમેદવારોની પસંદગી કરી હતી. જોકે જ્યારે નિયમો જાહેર થયા ત્યારે તેની સામે વિરોધ થયો નહતો પણ ઉમેદવારોના નામની જાહેરાતો સામે ચોક્કસપણ વિરોધ પ્રદર્શન કરાયા હતા.
Loksabha election 2024 સેન્સ પ્રક્રિયા દરમિયાન જ આ વિરોધ સામે આવ્યો હતો અને ખાનપુર ખાતે આવેલા શહેર ભાજપના કાર્યલાય ખાતે તત્કાલિન પ્રવક્તા પ્રદિપસિંહ જાડેજાએ વિરોધ પ્રદર્શન રોકવા માટે દોડી જવુ પડેલુ. મહાનગરપાલિકાની ચૂંટણી વખતે પ્રદેશ ભાજપમાં કદાચ આ વિરોધ પ્રદર્શનની પ્રથમ ઘટના હતી. જોકે ત્યારબાદ હવે તો ભાજપમાં પણ કોંગ્રેસની માફક જાહેર થયેલા ઉમેદવારો સામે વિરોધ કરવાની પરંપરા બની ગઈ હોય તેમ લાગી રહ્યુ છે.
શિસ્તબદ્ધ BJP ભાજપમાં હવે જાહેરમાં વિરોધની સર્જાઈ હારમાળા
તાજેતરમાં જ જાહેર થયેલી લોકસભા ચૂટણી માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા ત્યારે સૌથી પહેલી વિરોધની આગ વડોદરામાં ભડકી. સતત ત્રીજી વખત રંજન ભટ્ટને ટિકીટ અપાઈ અને પૂર્વ મેયર તેમજ ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાએ તેનો વિરોધ કર્યો. આ વિરોધના પગલે ભાજપે તાત્કાલિક જ્યોતિ પંડ્યાને સસ્પેન્ડ કરી દીધા પરંતુ વિરોધનો દાવાનળ સતત આગળ વધતો જ રહ્યો.
Loksabha election 2024 વડોદરામાં રંજન ભટ્ટે પોતે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી અને કદાચ પ્રથમ વખત એવુ થયુ કે ભાજપે તેના જાહેર કરેલા ઉમેદવારના નામમાં ફેરફાર કરવો પડ્યો હોય. રંજન ભટ્ટના સ્થાને બીજા નામની શોધખોળ હજુ ચાલુ હતી ત્યાં જ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે પણ આ જ મુદ્દે પોતાનું રાજીનામુ વિધાનસભા અધ્યક્ષને ઈમેલ કરી દીધુ. જેના પગલે પ્રદેશ નેતાગીરી દોડતી થઈ ગઈ અને અંતે કેતન ઈનામદાર સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે બેઠક કરતા ઘીના ઠામમાં ઘી પડી ગયુ.
બીજી બાજુ સાબરકાંઠામાં પણ આ જ પ્રકારે વિરોધનો વંટોળ ઊઠ્યો. જાહેર થયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરના જ્ઞાતિ પ્રત્યે જ સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા. ભીખાજી ડામોર અટક બદલીને ઠાકોર બન્યા હોવાનો આક્ષેપ થયો જે અંગે પ્રદેશ નેતાગીરી પણ સ્થાનિક નેતાઓ સામે ખફા થઈ. કારણ કે સ્થાનિક નેતાઓએ આ અંગે પ્રદેશ નેતાગીરીને અંધારામાં રાખી. અંતે ભીખાજીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા સાંબરકાંઠા બેઠક પર કોંગ્રેસમાંથી ઓગસ્ટ-2022માં ભાજપમાં જોડાયેલા શોભના મહેન્દ્રસિંહ બારૈયાનું નામ જાહેર કરાયુ અને વિરોધની આગ એવી ભડકી કે સ્થાનિકોએ તેમના વિરોધમાં બંધનું એલાન આપી દીધુ.
BJP ભાજપ હજુ વડોદરા અને સાબરકાંઠા સંભાળે ત્યાં વલસાડમાં ઉમેદવાર ધવલ પટેલ સામે પ્રદેશ નેતાગીરીને ખુલ્લો પત્ર લખીને વિરોધ પ્રદર્શિત કરી ઉમેદવાર બદલવા માગણી કરાઈ છે. આટલુ ઓછુ હોય તેમ ભાજપે પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા જેમાં પક્ષપલટુઓને સમાવવાનો પ્રયાસ કર્યો. પોરબંદરમાં ભાજપે અર્જુન મોઢવાડીયાને પેટા ચૂંટણી માટે ટિકીટ ફાળવી જેનાથી બાબુ બોખિરીયા નારાજ હોવાની ચર્ચા છે.
માણાવદરમાં અરવિંદ લાડાણીને ટિકીટ અપાતા પૂર્વ મંત્રી જવાહર ચાવડા નારાજ હોવાની ચર્ચા છે. તેમણે પક્ષના કાર્યક્રમોમાં સ્થાનિક કક્ષાએ હાજરી આપવાનું બંધ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે. વાઘડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકીટ ફાળવી છે પણ આ બેઠક પર દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ તેમની નારાજગી વ્યક્ત કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવી ચુક્યા છે ત્યારે હવે આ તમામ બેઠકો પર ભાજપ માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.
પ્રથમ વખત એવું બની રહ્યુ છે કે ભાજપમાં આંતરિક વિરોધ સપાટી પર આવી રહ્યો છે અને હાઈકમાન્ડ તેને દબાવવામાં અથવા રોકવામાં નિષ્ફળ રહ્યા હોય. અત્યારસુધી એવુ બનતુ હતુ કે ભાજપનો આંતરિક ડખ્ખો ચાર દિવાલની વચ્ચે શમી જતો હતો અને કોઈને જાણ પણ થતી નહતી. પણ જ્યારથી પક્ષપલટુઓને અગ્રતા મળવા માંડી ત્યારથી ભાજપના અદના કાર્યકર્તાની આંતરડી કકળી ઊઠી હોય તેમ ભાજપનો કાર્યકર્તા છડેચોક વિરોધ નોંધાવતો થઈ ગયો છે તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.
રાજકીય ગલિયારામાં ચર્ચા છે કે ભાજપ વિપક્ષનો સફાયો કરવામાં વ્યસ્ત છે ત્યારે વિપક્ષના નેતાઓની સાથે સાથે વિપક્ષની આંતરિક જૂથવાદ અને બળવાની બદી પણ ભાજપમાં ભળી રહી હોય તેમ સ્પષ્ટ લાગી રહ્યુ છે. અત્યારસુધી હાઈકમાન્ડના નિર્ણય સામે ક્યારેય મોઢુ નહી ખોલનારા ભાજપીઓને હવે મોઢા આવી ગયા છે અને છાશવારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
નોધપાત્ર બાબત એ પણ છે કે આ વિરોધ સામે ભાજપ ઝુકી પણ રહ્યો છે અને તેના નિર્ણય બદલવાની તેને ફરજ પણ પડી રહી છે. ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યાના આક્ષેપ તો મૂળ ભાજપના કાર્યકર્તાઓ લાંબા સમયથી કરી રહ્યા છે પરંતુ જે પ્રકારે કોંગ્રેસ જેવું વાતાવરણ છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં જોવા મળી રહ્યુ છે તે જાેતા વિશ્વની સૌથી મોટી પાર્ટી તેની શિસ્તબદ્ધ પાર્ટી હોવાની છાપ ખોઈ રહી હોવાનો વસવસો ભાજપના સિનિયર નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
જો આ જ પરિસ્થિત રહી તો CONGRESS પક્ષપલટુઓ મેવા ખાશે અને ભાજપના સાચા કાર્યકર્તાઓ વાસ્તવમાં ગાભા જ મારશે તેવો ડર પણ હવે મૂળ ભાજપના નેતાઓને સતાવી રહ્યો છે. બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંનિષ્ઠ કાર્યકર્તાઓને પણ ક્યાંય યોગ્ય સ્થાન મળતુ નહી હોવાનો વસવસો આરએસએસના કાર્યકર્તાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.