એક કોર્પોરેટ કર્મચારી જેટલી મહિનાની કમાણી, કુલ 7 કરોડ રૂપિયાની સંપત્તિ : આ છે સૌથી અમીર ભિખારી ( Beggar )
Richest Beggar : તમે અવાર નવાર દેશના કે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ વિશે સાંભળતા જ હશો. અબજોની સંપત્તિ ધરાવતા ધનિક વ્યક્તિઓ વિશે તમે એમના જેવા બનવાનું પણ વિચારતા હશો. પરંતુ શું તમે ક્યારેય એવા ભિખારી વિશે સાંભળ્યું છે જેની પાસે કરોડોની સંપત્તિ હોય ? તમને એ જાણીને નવાઈ લાગશે કે દુનિયાનો સૌથી ધનિક ભિખારી ભારતમાં જ છે. આ ભિખારી પાસે એક-બે નહીં પરંતુ સાત કરોડની સંપત્તિ છે.
સામાન્ય રીતે ભિખારી (Beggar ) શબ્દ સાંભળીને જ પૈસાની કટોકટી, ફાટેલા કપડા,જમવાની તકલીફ જેવી સમસ્યાનો સામનો કરતો વ્યક્તિ આપણી નજર સામે આવી જતો હોય છે. આ લોકો સમાજના ગરીબ વર્ગમાં ગણવામાં આવે છે. પરંતુ આજકાલ ભીખ માગવી એ અમુક લોકો માટે કામ બની ગયું છે. જેનાથી તેઓ કરોડોની સંપત્તિ ઉભી કરે છે.
ક્યાં રહે છે અમીર ભિખારી?
હવે વાત કરીએ વિશ્વના સૌથી ધનિક ભિખારીની, જે ભારતના મુંબઈ શહેરમાં રહે છે. ભરત જૈનને વૈશ્વિક સ્તરે દુનિયાના સૌથી અમીર ભિખારી તરીકે ઓળખવામાં આવે છે. તે મુંબઈની સડકો પર ભીખ માંગતો જોવા મળે છે. આર્થિક સંકડામણના કારણે તે શિક્ષણ મેળવી શક્યો ન હતો. તે પરિણીત છે અને તેના પરિવારમાં તેની પત્ની, બે પુત્રો, તેનો ભાઈ અને પિતા છે.
ભરત જૈનની આવક અને સંપત્તિ
મૂળ મુંબઈના ભરત જૈન રૂ. 7.5 કરોડની નેટવર્થ ધરાવે છે. રિપોર્ટ્સ પ્રમાણે, ભીખ માગીને ભરતની માસિક આવક રૂ. 60,000થી 75,000 સુધીની છે. તેની સંપત્તિની વાત કરીએ તો ભરત મુંબઈમાં 1.2 કરોડ રૂપિયાનો બે બેડરૂમ ફ્લેટ ધરાવે છે.
થાણેમાં તેની બે દુકાનો છે જે ભાડે આપેલી છે. ત્યાંથી તેને 30,000 રૂપિયાનું માસિક ભાડું મળે છે. આ સિવાય પરિવારના અન્ય સભ્યો સ્ટેશનરી સ્ટોર ચલાવે છે જે આવકનો બીજો સ્ત્રોત છે.
પરિવારના લોકો ના પાડે છે
ભરત જૈન મોટાભાગે છત્રપતિ શિવાજી ટર્મિનસ અથવા આઝાદ મેદાન જેવા પોશ વિસ્તારમાં ભીખ માગતો જોવા મળે છે. અને દરરોજ 10-12 કલાકમાં તે રૂ.2000થી 2500 કમાણી કરી લે છે. વિચારવાની વાત એ છે, આટલી સંપત્તિ અને આવક હોવા છતાં ભરત જૈન અને તેમનો પરિવાર પરેલમાં 1BHK ડુપ્લેક્સ આવાસમાં રહે છે.
તેણે તેના બાળકોને કોન્વેન્ટ સ્કૂલમાં ભણાવ્યા છે. તેનો પરિવાર તેને ભીખ માંગવાનું બંધ કરવાની સલાહ આપે છે, પરંતુ તે સાંભળતો નથી.