ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે
૨૨મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો થશે પ્રારંભ
ચારેય તાલુકામાં કુલ ત્રણ રથ ફરશે
ગાંધીનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થઈ ચૂક્યો છે. ગાંધીનગરમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૨૨મી નવેમ્બર, ૨૦૨૩ના રોજથી પ્રારંભ થવાની છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના આયોજન સંદર્ભે ગાંધીનગર જિલ્લા પ્રભારી અને ભારત સરકારના નાયબ સચિવ શ્યામલાલ પુનિયાના અધ્યક્ષ સ્થાને અને કલેક્ટર હિતેષ કોયાની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા સંકલ્પ યાત્રાની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં ’વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત જિલ્લામાં ચારેય તાલુકામાં કુલ ત્રણ રથ ફરવાના છે. જયારે એક રથ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફરવાનો છે. ગાંધીનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં તા. ૨૨મી નવેમ્બરના રોજ કલોલ, ગાંધીનગર અને દહેગામ તાલુકામાં આ યાત્રાનો આરંભ થશે. ગ્રામ્ય કક્ષાએ આ રથ દરરોજ બે ગામોની મુલાકાત લેશે. તા. ૨૨મી નવેમ્બરના રોજ ગાંધીનગર તાલુકામાં અડાલજ અને જમીયતપુરા, કલોલ તાલુકામાં રકનપુર અને રણછોડપુરા તથા દહેગામ તાલુકામાં ઝાંક અને કડાદરા ગામ ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આરંભ થશે..આ રથના માધ્યમથી કેન્દ્ર સરકારની કુલ ૧૭ જનકલ્યાણની યોજનાઓથી કોઈ પણ લાભાર્થી વંચિત ન રહે, તેવા પ્રયાસો હાથ ધરીને યોજનાની ૧૦૦% લક્ષ્યપૂર્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સમીક્ષા બેઠકમાં ૧૭ જનકલ્યાણકારી યોજનાના અમલીકરણ અધિકારીઓ , તમામ તાલુકાના નોડલ અધિકારી તથા અમલીકરણ સમિતિના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓ દ્વારા પ્રેઝેન્ટેશન રજૂ કરીને યાત્રાના જિલ્લા પ્રભારી શ્રી શ્યામલાલ પુનિયા સમક્ષ યાત્રાના આયોજન વિશેની માહિતી રજૂ કરી હતી. તેમજ જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ