મિઝોરમ ના આઈઝોલમાં એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતા 17 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના સાયરાંગ વિસ્તાર પાસે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સમયે વિસ્તારમાં 35-40 લોકો હતા.. આ ઘટના આઈઝોલથી 21 કિમી દૂર બની હતી. અત્યાર સુધી તમામ મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ કેટલાક વધુ લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે.
મિઝોરમમાં બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે PMO પરથી ટ્વિટ કરતાં લખ્યું છે કે મિઝોરમ માં પુલ ધરાશાયી થવાની ઘટનાથી દુઃખી છું. મૃતકોના સ્વજનો પ્રત્યે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું અને ઘટનામાં ઘાયલ લોકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અસરગ્રસ્તોને શક્ય તમામ સહાયતા કરવામાં આવશે.વધુમાં PMO દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે મૃતકોને Prime Minister’s National Relief Fund (PMNRF) માંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલોને 50 હજારની આર્થિક સહાય આપવામાં આવશે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં તેમણે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે.કુરુંગ નદી પર બૈરાબીને સૈરાંગ સાથે જોડતો રેલ્વે પુલ નિર્માણાધીન હતો. અકસ્માત સ્થળ આઈઝોલથી લગભગ 21 કિમી દૂર છે. આ શ્રમિકો મિઝોરમના રેલ ઓવરબ્રિજ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. બ્રિજ નંબર 196ની ઊંચાઈ 104 મીટર છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ