Yemen Civil War Escalates: યમનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધે ફરી એકવાર ભયજનક સ્વરૂપ ધારણ કર્યું છે. સાઉદી અરેબિયા સમર્થિત સરકાર અને યુનાઇટેડ અરબ અમીરાત (UAE) સમર્થિત અલગતાવાદી સંગઠન સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષના કારણે દેશભરમાં અસ્થિરતા ફેલાઈ છે. સતત હુમલાઓ અને હિંસક અથડામણ વચ્ચે અનેક વિદેશી પ્રવાસીઓ યમનમાં ફસાઈ ગયા છે.
આ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યમનના સોકોત્રા ટાપુ પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી ફસાયેલ ભારતીય નાગરિક રાખી કિશન ગોપાલનું ભારત સરકાર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

Yemen Civil War Escalates: સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા સુરક્ષિત વાપસી
યમનમાં સ્થિત ભારતીય મિશનના જણાવ્યા અનુસાર, રાખી કિશન ગોપાલને 7 જાન્યુઆરીએ વિશેષ યમેનિયા ફ્લાઇટ દ્વારા જેદ્દા (સાઉદી અરેબિયા) મોકલવામાં આવ્યા હતા. જેદ્દા પહોંચ્યા બાદ ભારતીય વાણિજ્ય દૂતાવાસના અધિકારીઓએ તેમને સ્વાગત કરીને તમામ કાયદાકીય અને દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે ભારત મોકલી દેવાયા છે.
Yemen Civil War Escalates: યમનમાં ફરી તણાવની સ્થિતિ
આ રેસ્ક્યૂ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે યમનમાં સત્તા માટેનો સંઘર્ષ ફરી ઉગ્ર બન્યો છે. સાઉદી અરેબિયા સમર્થિત દળો અને STC વચ્ચે હદ્રમૌત અને અલ-મહરા પ્રાંતોમાં સૈન્ય મથકો પર કબજો મેળવવા માટે ભીષણ લડાઈ ચાલી રહી છે.
આ અથડામણોના કારણે અનેક વિસ્તારોમાં હવાઈ સેવાઓ બંધ થઈ ગઈ છે અને સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે. જો કે તાજા અહેવાલો મુજબ કેટલાક વિસ્તારોમાં STC દળોએ પાછા હટવાનું શરૂ કર્યું હોવાનું જણાવાય છે.
Yemen Civil War Escalates: સોકોત્રા ટાપુ પર 400 વિદેશી પ્રવાસીઓ ફસાયા
યમનની મુખ્ય ભૂમિ પર ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર સોકોત્રા ટાપુ પર પણ જોવા મળી રહી છે. અહેવાલો મુજબ, ત્યાં હજુ પણ લગભગ 400 જેટલા વિદેશી પ્રવાસીઓ ફસાયેલા છે. વિમાની સેવાઓ સ્થગિત થવાના કારણે આ પ્રવાસીઓ ટાપુ પરથી બહાર નીકી શક્યા નથી.
એક તરફ યમન સરકાર સાઉદી અરેબિયાની મદદથી પરિસ્થિતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ STC દ્વારા દક્ષિણ યમનને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરવાની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે તણાવ વધુ ઘેરો બન્યો છે.
Yemen Civil War Escalates: ભારત સરકારની સતર્કતા
યમનમાં બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સતત સ્થિતિ પર નજર રાખી રહી છે. ભારતીય નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે અને આવશ્યકતા પડે તો વધુ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવાની તૈયારી પણ રાખવામાં આવી છે.
આ પણ વાંચો
Digital Census :1 એપ્રિલ 2026થી શરૂ થશે ‘વસતી ગણતરી , નોટિફિકેશન જાહેર




