અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ (VS) હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ મામલે તપાસ તેજ કરવામાં આવી છે. છેલ્લા ચાર વર્ષમાં VS હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં બનાવવામાં આવેલા ક્લિનિકલ રિસર્ચના પાંચ રૂમોને સીલ મારી દેવામાં આવ્યા છે.
VS હોસ્પિટલ ક્લિનિકલ રિસર્ચ કૌભાંડ
VS હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના હુકમથી તમામ રૂમ અત્યારે બંધ કરી દેવાયા છે. સમગ્ર કૌભાંડમાં રચાયેલી તપાસ કમિટી સમક્ષ આજે 25 એપ્રિલ શુક્રવારના રોજ ભૂતપૂર્વ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષ પટેલ અને સસ્પેન્ડ કરવામાં આવેલા ડો. દેવાંગ રાણા હાજર થયા હતા.
ડો. મનીષ પટેલે જણાવ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 6 કરોડની આવક થઇ છે, જે વીએસના ખાતામાં જ ગઈ છે. મારી પાસે માગવામાં આવેલા તમામ દસ્તાવેજ મેં તપાસ કમિટી સમક્ષ રજૂ કર્યા છે. ડો. દેવાંગ રાણાને લખેલા પર્સનલ એકાઉન્ટમાં નાણાં જમા કરાવવા અંગેના પત્રમાં મારી કોઈ સહી નથી.

હું તમામ કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળ વધીશ. માધ્યમોમાં કોઈએ શું કહ્યું એ મને ખબર નથી, મને સત્તાવાર અહીંયા બોલાવ્યો એટલું હું આવ્યો છું. ડો. દેવાંગ રાણા NHLના કર્મચારી છે, એમને લગાવેલા આરોપો મામલે વધુ કઈ નહીં કહું.