Vijay Hazare Trophy: વિજય હઝારે ટ્રોફી 2025માં ઉત્તર પ્રદેશના કેપ્ટન અને યુવા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે શાનદાર પ્રદર્શન કરી ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. 26 ડિસેમ્બરે રાજકોટ ખાતે રમાયેલી મેચમાં ચંડીગઢ સામે રિંકુએ માત્ર 60 બોલમાં અણનમ 106 રન ફટકારી પોતાની દમદાર ફોર્મ સાબિત કરી.
રિંકુ સિંહે પોતાની ઇનિંગ સંયમિત રીતે શરૂ કરી હતી, પરંતુ ત્યારબાદ તેણે આક્રમક બેટિંગ કરી 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 56 બોલમાં સદી પૂર્ણ કરી. તેની આ શાનદાર ઇનિંગના કારણે ઉત્તર પ્રદેશે 50 ઓવરમાં 367 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો.

Vijay Hazare Trophy: આર્યન જુયાલની પણ ધમાકેદાર સદી
રિંકુ ઉપરાંત યુપી માટે આર્યન જુયાલે પણ ચંડીગઢ સામે શાનદાર બેટિંગ કરી. આર્યને 118 બોલમાં 134 રનની સદી ફટકારી. વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ ચંદે 67 રનનું યોગદાન આપ્યું. આઈપીએલમાં કરોડોમાં ખરીદાયેલા સમિર રિઝવીએ 32 રન, જ્યારે પ્રશાંતવીરે 12 રન બનાવ્યા હતા.

Vijay Hazare Trophy: T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી
ઉલ્લેખનીય છે કે 28 વર્ષીય રિંકુ સિંહને 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે. તે આ ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે ફિનિશરની ભૂમિકા ભજવશે. વિજય હઝારે ટ્રોફીમાં તેનું શાનદાર ફોર્મ ભારતીય ટીમ માટે શુભ સંકેત માનવામાં આવી રહ્યું છે.
Vijay Hazare Trophy: દિલ્હી vs ગુજરાત: કોહલી અને પંતની આક્રમક બેટિંગ
બીજી તરફ, બેંગલુરુમાં રમાયેલી દિલ્હી અને ગુજરાત વચ્ચેની મેચમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રિષભ પંતે ઝડપી ઇનિંગ્સ રમી. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ વિરાટ કોહલીએ ક્રિઝ પર આવી 61 બોલમાં 77 રન ફટકારી ટીમને સંભાળી. તેણે 13 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. વિરાટ 108ના સ્કોર પર આઉટ થયો.
તે બાદ કેપ્ટન રિષભ પંતે જવાબદારી સંભાળી અને 79 બોલમાં 70 રન (8 ચોગ્ગા, 2 છગ્ગા) ફટકાર્યા. દિલ્હીએ 50 ઓવરમાં કુલ 254 રન બનાવ્યા.
👉 એક તરફ રિંકુ સિંહ વિજય હઝારે ટ્રોફીમાં છવાયો છે, તો બીજી તરફ કોહલી-પંત જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ પોતાની ફોર્મમાં પાછા ફરતા નજરે પડી રહ્યા છે, જે ભારતીય ક્રિકેટ માટે સારા સંકેત છે.



