Vietnam Flood Crisis: વિયેતનામના મધ્ય ભાગમાં ભારે વરસાદે ગંભીર તારાજી સર્જી છે. ખાસ કરીને ક્વાંગ નગાઈ વિસ્તારમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદના કારણે રહેણાક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે, જ્યારે અનેક માર્ગો પર પાણી ભરાતાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો છે. સ્થાનિક લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે અનેક પરિવારોને પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવાની ફરજ પડી રહી છે.
Vietnam Flood Crisis: 1,700થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યાં, અનેક વિસ્તારો સંપર્કવિહોણા બન્યા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારે વરસાદ અને પૂરના કારણે 1,700થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયાં છે. કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે માર્ગો પર પાણી ભરાવાને કારણે અવરજવર મુશ્કેલ બની છે. ભૂસ્ખલનના કારણે કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ગામડાંઓનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Vietnam Flood Crisis: 30 નવેમ્બર સુધી 500 મીમી વરસાદની ચેતવણી, તંત્ર એલર્ટ
હવામાનની આગાહી મુજબ 30 નવેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં 500 મીમી સુધી ભારે વરસાદ પડી શકે છે. આ ચેતવણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી વધુ તેજ કરવામાં આવી છે. બચાવ ટુકડીઓ, સેનાના જવાનો અને આપત્તિ વ્યવસ્થાપન સાથે જોડાયેલી ટીમોને એલર્ટ રાખવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે રાહત કેમ્પોમાં ભોજન, પાણી અને જરૂરી સહાય પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
Vietnam Flood Crisis: આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા

મધ્ય વિયેતનામમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વિકટ બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે હજારો પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ બચાવ અને રાહત કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભારતીય મહિલા હોકીએ રચ્યો નવો ઇતિહાસ: ચીનને 3-1થી હરાવી ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

