Tragic Accident in Panoli: ગુજરાતના અંકલેશ્વર નજીક આવેલા પાનોલી રેલવે સ્ટેશન પરથી મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત કાળજાળ ઘટના સામે આવી છે. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક નિર્દોષ યુવકનો મોબાઈલ ફોન ઝૂંટવી લેવાની ઘટનામાં તે ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો અને ટ્રેન નીચે આવી જવાથી તેનું દર્દનાક મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેણે લોકોના રૂંવાડા ઊભા કરી દીધા છે.

Tragic Accident in Panoli: શું હતી સમગ્ર ઘટના?
મૂળ રાજસ્થાનના વતની અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ૩૨ વર્ષીય અશોક ગુર્જર ગત ૬ ઓગસ્ટે જયપુર-બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેન (નંબર ૧૨૯૮૦)ના એન્જીનથી ત્રીજા ડબ્બાના જનરલ કોચના દરવાજા પાસે બેસીને સવાઈ માધવપુરથી સુરત તરફ પ્રવાસ કરી રહ્યા હતા.
જ્યારે આ ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પ્લેટફોર્મ પર બાકડા પર સૂતેલો એક ઇસમ અચાનક ઊભો થયો અને દોડી આવીને ચાલુ ટ્રેને અશોકનો હાથમાંથી મોબાઈલ ફોન આંચકી લીધો હતો.

Tragic Accident in Panoli: ૧૦૦ મીટર ઢસડાઈને ટ્રેન નીચે પટકાયો
મોબાઈલ આંચક્યા અચાનક થયેલા આંચકાના કારણે અશોક સંતુલન ગુમાવી બેઠા અને ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયા હતા. તેઓ થોડો સમય ડબ્બા સાથે લટકેલી હાલતમાં રહ્યા, પરંતુ હાથની પકડ છૂટી જવાથી પ્લેટફોર્મ પર પટકાયા અને અંદાજે ૧૦૦ મીટર સુધી ઢસડાતા ગયા. દુર્ભાગ્યવશ, ગુલાટી મારીને તેઓ સીધા ટ્રેન નીચે આવી ગયા હતા. આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અશોકનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું.

Tragic Accident in Panoli: મોંઢું સંતાડીને ફરાર થઈ ગયા આરોપીઓ
આ રૂંવાડા ઊભા કરી દેતી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, મોબાઈલ આંચક્યા બાદ આરોપી પોતાનું મોંઢું રૂમાલ કે કપડાથી સંતાડીને ઝડપથી ભાગી છૂટે છે. થોડીવાર પછી તે પોતાના એક સાથીદાર સાથે ફરી પાછો આવે છે અને નીચે પડેલી ચીજવસ્તુઓ ઉઠાવીને ત્યાંથી ફરાર થઈ જાય છે.

Tragic Accident in Panoli: રેલવે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
આ ગંભીર મામલે ભરૂચ રેલવે પોલીસના પીએસઆઈ એસ. કે. રાણાએ જણાવ્યું છે કે, સીસીટીવી ફૂટેજના આધારે વીડિયોમાં દેખાતા બે શંકાસ્પદોની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. રેલવે ક્રાઇમ બ્રાન્ચ (RCB) સહિતની વિવિધ પોલીસ ટીમો તપાસમાં જોડાઈ છે. પાનોલી, અંકલેશ્વર તથા ભરૂચ રેલવે સ્ટેશનના આસપાસના સીસીટીવી ફૂટેજ ઝીણવટપૂર્વક ચકાસવામાં આવી રહ્યા છે જેથી આરોપીઓને વહેલી તકે પકડી શકાય. એકના એક વ્હાલસોયા કમાવનાર મોભીના આકસ્મિક મૃત્યુથી પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાઈ ગયો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો