Tragedy in Vadodara: સંસ્કારી નગરી વડોદરાના વારસિયા વિસ્તારમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે. વારસિયા રિંગ રોડ પર આવેલા શ્રી માઈમાતા મંદિર પાસે એક 33 વર્ષીય પરિણીતાએ ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Tragedy in Vadodara: રોજિંદા સ્થળે જ અંતિમ પગલું ભર્યું
મૃતક મહિલાની ઓળખ હંસાબેન હસમુખભાઈ ચુનારા (ઉં.વ. 33) તરીકે થઈ છે, જેઓ નિધિ ફ્લેટ પાછળના વિસ્તારમાં રહેતા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હંસાબેન પશુપાલન (બકરા પાળવા) ના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને અવારનવાર પશુઓના ઘાસચારા માટે આ વિસ્તારમાં આવેલા પીપળા અને વડના ઝાડની ડાળખીઓ કાપવા આવતા હતા. જોકે, આજે તેમણે તે જ સ્થળે વડના ઝાડ પર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

Tragedy in Vadodara: પરિવારમાં હૈયાફાટ રુદન: 4 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
હંસાબેનના લગ્ન વર્ષ 2011માં થયા હતા અને તેમને ચાર સંતાનો છે. અચાનક માતાના મોતના સમાચાર મળતા જ પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રસ્તા પર જ હૈયાફાટ રુદન કરતા વાતાવરણ અત્યંત કરુણ બની ગયું હતું. 14 વર્ષના લગ્નજીવન બાદ આ પ્રકારે અંતિમ પગલું ભરતા અનેક સવાલો ઉભા થયા છે.
Tragedy in Vadodara: પોલીસ તપાસ તેજ
ઘટનાની જાણ થતા જ 112 જનરક્ષક અને વારસિયા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
- આપઘાતનું કારણ અકબંધ: પ્રાથમિક તપાસમાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
- પોલીસ કાર્યવાહી: વારસિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને ઘરકંકાસ કે અન્ય કોઈ માનસિક તણાવને લીધે આ પગલું ભર્યું છે કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
10 રાજ્યોની 37 બેઠકોના પરિણામ જાહેર, NDAનો દબદબો; બિહાર-હરિયાણામાં પલટાયા સમીકરણો




