Tragedy in Porbandar: પોરબંદરમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. એરપોર્ટ રોડ પર બે મોટરસાયકલ વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં 4 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર યુવાનો હવામાં ફંગોળાયા હતા અને વાહનોના ફુરચા ઉડી ગયા હતા.

Tragedy in Porbandar: ઘટનાની વિગત: સવારની શાંતિ ચીસોમાં ફેરવાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે 5:00 થી 5:40 વાગ્યાના અરસામાં એરપોર્ટ રોડ પર બે બાઈક (GJ 25 AF 0530 અને GJ 25 AE 9772) વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માતને પગલે રસ્તા પર કાચ અને બાઇકના સ્પેરપાર્ટ્સ વિખેરાઈ ગયા હતા. સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા તાત્કાલિક પાંચેય યુવાનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચતા પહેલા જ ત્રણ યુવાનોના શ્વાસ થંભી ગયા હતા.

Tragedy in Porbandar: મૃતકોની યાદી
અકસ્માતમાં જીવ ગુમાવનાર ચારેય યુવાનો પોરબંદરના પંચહાટડી, સોની બજાર અને આવાસ યોજના વિસ્તારના રહેવાસી હતા:
- મિલન નારણભાઈ બાદરશાહી (ઉં.વ. 26) – ઘટનાસ્થળે મોત
- દિપેશ નીતિનભાઈ ઢાકેચા (ઉં.વ. 18) – ઘટનાસ્થળે મોત
- વનરાજ મનિષભાઈ ઝાલા (ઉં.વ. 17) – ઘટનાસ્થળે મોત
- પિયુષ કિશોરભાઈ લોઢારી (ઉં.વ. 24) – જામનગર રિફર કરતી વખતે ખંભાળિયા નજીક મોત
Tragedy in Porbandar: ઈજાગ્રસ્તની સ્થિતિ

આ અકસ્માતમાં 14 વર્ષીય પ્રતિક નિલેશભાઈ જેઠવા (રહે. વિરડી પ્લોટ) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. હાલ તે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

શહેરમાં શોકનું મોજું
એકસાથે 4 આશાસ્પદ યુવાનોના મોતથી પોરબંદરના સોની બજાર અને પંચહાટડી વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. હોસ્પિટલ પરિસરમાં મૃતકોના સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વહેલી સવારે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે દિશામાં પણ તપાસ ચાલુ છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




