Tragedy in Bihar:બિહારના નાલંદા જિલ્લામાં ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે દર્શન કરવા ઉમટેલી ભીડમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બિહારશરીફથી 5 કિમી દૂર મઘડા ગામમાં આવેલા ઐતિહાસિક શીતળાષ્ટમી મંદિરમાં અચાનક મચેલી ભાગદોડમાં 8 મહિલા ભક્તોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે 6 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Tragedy in Bihar:ભારે ભીડ અને અફરાતફરીનો માહોલ

ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ (શીતળા સાતમ-આઠમ) હોવાથી મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરંપરા મુજબ ભક્તો માતાજીને ઠંડો (વાસી) ખોરાક ભોગ ધરવા માટે લાંબી કતારોમાં ઉભા હતા. આ દરમિયાન અચાનક ધક્કામુક્કી થતા ભાગદોડ મચી ગઈ હતી. મૃતકોમાં તમામ મહિલાઓનો જ સમાવેશ થાય છે, જેના કારણે હોસ્પિટલ અને મંદિર પરિસરમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
Tragedy in Bihar:મૃતકોની ઓળખ અને ઘાયલોની સ્થિતિ

હાલમાં પોલીસ અને પ્રશાસન દ્વારા રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. 8 માંથી કેટલાક મૃતકોની ઓળખ થઈ શકી છે:
- રીટા દેવી (50 વર્ષ): રહે. સકુંત બિહાર
- રેખા દેવી (45 વર્ષ): રહે. મથુરાપુર નૂરસરાય
મૃતક રેખા દેવીના પુત્રએ જણાવ્યું કે, “મમ્મી મેળો જોવા અને માતાજીના દર્શન કરવા ગઈ હતી. હજારોની ભીડ હતી અને અચાનક આ ઘટના બની. અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં મમ્મીનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.” અન્ય તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની મોડેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શા માટે ઉમટી હતી આટલી મોટી ભીડ?

મઘડા ગામમાં આવેલું આ શીતળા માતાનું મંદિર ખૂબ જ પ્રાચીન અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. લોકવાયકા મુજબ:
- શીતળા આઠમના દિવસે ઘરોમાં ચૂલો સળગાવવામાં આવતો નથી.
- એક દિવસ અગાઉ બનાવેલી રસોઈ (વાસી ભોજન) માતાજીને ધરાવીને પ્રસાદ તરીકે ગ્રહણ કરવામાં આવે છે.
- ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે અહીં ‘મંગળા મેળો’ ભરાય છે, જેમાં આસપાસના જિલ્લાઓમાંથી હજારો લોકો ઉમટે છે.
હાલમાં સ્થાનિક વહીવટીતંત્રે તપાસના આદેશ આપ્યા છે કે આટલી મોટી ભીડ સામે સુરક્ષા અને વ્યવસ્થામાં ક્યાં ખામી રહી ગઈ.
આ પણ વાંચો :ગાંધીનગરમાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, જૈન સંસ્કૃતિના અમૂલ્ય વારસાની વિશ્વને ઝાંખી




