કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી લીધી છે, તે વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું છે કે, “તેઓ વિચારે છે કે, મને સંસદમાંથી હટાવવામાં આવશે અને ડરાવવામાં આવશે તો હું ડરી જઈશ, પરંતુ હું તેમનાથી ડરતો નથી. હું ફરી પૂછું છું કે અદાણીની શેલ કંપનીમાં આ રૂ. 20,000 કરોડ કોના છે? જવાબ નહીં મળે ત્યાં સુધી હું રોકાઈશ નહીં. મને ગેરલાયક ઠેરવો કે જેલમાં નાખો. મને કોઈ ફર્ક નહીં પડે. અદાણીની ડિફેન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં ચીનના ડાયરેક્ટર બેઠા છે. અદાણીની શેલ કંપનીમાં ચીનના ડાયરેક્ટર છે. આ અંગે કોઈ તપાસ ચાલી રહી નથી અને તે વિક્ષેપ વિશે વાત કરે છે. મેં સંસદમાં પૂછ્યું કે, અદાણીની શેલ કંપનીમાં રૂપિયા 20,000 કરોડ કોના છે? જે બાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે, સરકારે સંસદનું કામકાજ ન થવા દીધું. સામાન્ય રીતે વિપક્ષ સંસદને સ્થગિત કરે છે, પરંતુ પહેલીવાર સરકારના મંત્રીઓએ સંસદને અટકાવી હતી. કર્ણાટકમાં ભાજપ સરકારે શું કામ કર્યું? તેમણે 40 ટકા કમિશન ખાધું. કામ કરાવવા માટે ભાજપ સરકારે કર્ણાટકના લોકોના પૈસા ચોર્યા. કોન્ટ્રાક્ટર યુનિયને આ અંગેનો પત્ર પણ વડાપ્રધાનને સોંપ્યો છે. વડાપ્રધાને આ પત્રનો જવાબ આપ્યો નથી. પત્રનો જવાબ ન આપવાનો અર્થ એ છે કે, વડાપ્રધાને સ્વીકાર્યું છે કે, કર્ણાટકમાં 40 ટકા કમિશન વસૂલવામાં આવે છે. જો તમે અદાણીને હજારો કરોડ રૂપિયા આપી શકો તો અમે ગરીબો, મહિલાઓ અને યુવાનોને પૈસા આપી શકીએ. તમે અદાણીને પૂરા દિલથી મદદ કરી, અમે કર્ણાટકના લોકોને પૂરા દિલથી મદદ કરીશું.”