દેશના સૌથી મોટા અને સૌથી વિવાદાસ્પદ ડેમની કહાની એકદમ ફિલ્મી છે, જેમાં રાજનીતિ છે, ડ્રામા છે, આંદોલન છે, લાખો લોકોનું સ્થળાન્તરણ છે

0
190
નર્મદા ડેમ
નર્મદા ડેમ

રવિવારે સવારે 8 કલાકે નર્મદા ડેમ ની જળ સપાટી 135.42 મીટર  એ થઇ છે  તેની મહત્તમ સપાટી 138.69 મીટર છે. નર્મદા ડેમ 17 સપ્ટેમ્બર 2017ના લોકાર્પણ બાદ ચોથી વખત 135 મીટર ને પાર કર્યો છે. 15 સપ્ટેમ્બર 2018, 17 સપ્ટેમ્બર 2020 અને 15 સપ્ટેમ્બર 2022 બાદ રવિવારે ફરી વખત નર્મદા ડેમ ની જળ સપાટી 135 મીટર ને વટાવી છે.

નર્મદા બંધના લેખા જોખા…
ગુજરાતની જીવાદોરી ગણાતી સરદાર સરોવર નર્મદા યોજનાનું ખાતમુર્હત તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના હસ્તે પાંચમી એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારે 17 સપ્ટેમ્બર 2017 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમનું લોકર્પણ કર્યું હતું. ભારે વિવાદોનો સામનો કરી ચુકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે 70-70 વર્ષે પૂર્ણ થઇ છે. વર્ષ 1946થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017માં આ યોજનાનું લોકાર્પણ થયું છે. 

ગુજરાતની આ જીવાદોરી સમાન નર્મદા યોજનાનો વિચાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇને આવ્યો હતો અને મુંબઈના જમશેદજી એમ.વાચ્છા નામના પારસી ઇજનેરે આ વિચારને સાકાર કર્યો હતો. વિચાર આઝાદી પહેલા 1946 આવ્યો હતો. જે 15 વર્ષ બાદ એટલે કે પાંચમી એપ્રિલ 1961માં અમલમાં આવ્યો અને તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વરદ હસ્તે ખાતમુર્હત થયું. ખાતમુર્હુત બાદ બંધનું કામકાજ અનેક અંતરાયોને પાર કરતુ વર્ષ 1987માં શરૂ થયુ. 70-70 વર્ષ સુધીના વિવાદોમાં રહેલી અંતરાયોનો સામનો કરી ચુકેલી બહુહેતુક નર્મદા યોજના આમ તો આજે પૂર્ણ થઇ કહેવાય!

વર્ષ 1994માં નર્મદા બચાવો આંદોલનના પ્રણેતા મેઘા પાટકરની આગેવાનીમાં મા બાબા આમ્ટે, અરુંધતી રોય જેવા લોકોએ પુન:વર્સન અને પર્યાવરણના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પીટીશન કરી. જેના કારણે 4-4 વર્ષ સુધી ડેમનું કામકાજ અધુરૂ રહ્યુ. ત્યારબાદ વર્ષ 31મી ડીસેમ્બર 2006ના રોજ છેલ્લું બકેટ નાખીને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ડેમની ઉંચાઇ 121.92 મીટરે પહોંચાડી. જે માટે નરેન્દ્ર મોદી 2006માં ગાંધીનગરમાં 51 કલાકના ઉપવાસ પર બેઠા હતા. જે બાદ 2006 થી 2014 સુધી ડેમની કામગીરી ખોરંભે પડી અને ઉંચાઇના વધવાને કારણે ઓવરફ્લોનું પાણી દરીયામાં વહી ગયુ હતુ. 

આમ તો નર્મદા યોજનાને લઇને તમામ મુખ્યમંત્રીઓનો ફાળો હોવાનું નરેન્દ્ર મોદી કહી ચુકયા છે. પરંતુ મેઘા પાટકરની નર્મદા બચાવો આંદોલન વખતે મુખ્યમંત્રી તરીકે આરૂઢ ચિમનભાઇ પટેલ ખુબ જ ગંભીર અને એગ્રેસીવ હતા. પરંતુ 2006 થી 2014 દરમ્યાન કામ ખોરંભે ચઢ્યા બાદ નરેન્દ્ર મોદીએ ખુબ જ પ્રયત્ન કર્યા હતા. પુન:વર્સનની કામગીરીને લઇને તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલે ભારે ઉદારતા દાખવી હતી અને નરેન્દ્ર મોદીએ કામકાજ સંપુર્ણ થાય તે માટે પ્રયત્નો કર્યા છે. તો સાથે સાથે ઇજનેરો અને કામદારોએ પણ પુરૂષાર્થ દાખવ્યો છે. 

26 મે 2014 ના રોજ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળનાર નરેન્દ્રભાઇ મોદીએ સૌથી પહેલુ કોઇ કાર્ય કર્યુ હોય તો તે નર્મદાની ઉંચાઇ વધારવાનું. માત્ર 26 દિવસન ટૂંકા ગાળા બાદ તારીખ 12 જુન 2014 ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ડેમની ઉંચાઇ 138.39 મીટરની આખરી ઉંચાઇ સુધી લૈ જવા માટે પરવાનગી આપી. ત્યારબાદ નર્મદા બંધનું કામકાજ અવિરત ચાલતું રહ્યુ. હવે નર્મદાને ગુજરાત ની જીવાદોરી અને ગુજરાત માટે સર્વસ્વ કહી શકાય તેમ છે અને તેમ કહેવામાં સહેજે અતિશયોકતી નથી કારણ કે, નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાને કારણે વિજળી, પીવાના પાણી અને સિંચાઇના પાણીની ગુજરાતભરની માંગ સંતોષાશે. 

ડેમની પાણીની હાલની સંગ્રહ શક્તિ 1.27 મિલિયન એકર ફુટથી ત્રણ ઘણી વધીને 4.75 મિલિયન એકર ફૂટ સંગ્રહશક્તિ થઈ. જેને કારણે વિજળીનું ઉત્પાદન હાલના ઉત્પાદનથી વધીને કુલ – 1450 મેગાવોટ થશે. જેનો ફાયદો ગુજરાત અને મહારાષ્ટ્રને થશે. પીવાના પાણી બાબતે ગુજરાત હંમેશા નર્મદા યોજના આધારિત રહ્યુ છે,અને ગુજરાત નો 70 % ભાગ પાણીની સમસ્યાથી પિડાય છે, નર્મદા યોજના થકી ગુજરાતભરના 9633 ગામડા અને 133 ગામોને પાણી પુરૂ પાડવાનું આયોજન છે અને હાલમાં 7973 ગામ અને 118 શહેરોને નર્મદા દ્રારા પિવાનું પાણી પુરૂ પડાઇ રહ્યુ છે. જોકે ચાલુ વર્ષે સરકારની અણઆવડતને કારણે પાણીનો બગાડ થતા ગુજરાત સરકારે વિપક્ષના નિશાન પર આવવું પડ્યું છે. હાલ ડેમ 138.69 મીટરે પહોંચ્યો છે.

એ પણ જાણવુ રસપ્રદ રહેશે કે ડેમ કેવી રીતે કયા સંજોગોમા પૂર્ણ થયો…

  • તા-5-4-1961 મા વડાપ્રઘાન જવાહરલાલ નહેરૂ દ્રારા શીલાન્યાસ અને 1980 મા કામનો શૂભ આરંભ.
  • 1995 મા 80.3 મીટરે કામ અટકયૂ કેમ કે પુનઃવસન ના કારણે નર્મદા બચાવ સમિતિ મેદાનમા આવી.
  • જેમ તેમ કરી નર્મદા કટ્રોલ ઓથોરીટીએ 5 મીટર વધારવાની મંજુરી આપતા 2000ની સાલમાં ડેમ 85 મીટરનો થયો
  • 2001 અને 2002માં તબકકા વાર વઘુ પાંચ-પાંચ મીટરની મંજુરી મળતા 2002માં ડેમ 95 મીટરે પહોંચ્યો.
  • વળી 2003માં વધુ 5 મીટરની પરમિશન મળતા ડેમએ સેન્ચુરી મારી 100નો થયો.

નવા ઉત્સાહ સાથે જોરદાર મંજુરી મેળવી 2006ની 31 ડિસેમ્બરે ડેમ 121.92 મીટરે અટક્યુ આ સમયે કોન્ક્રીટ કામ તો પૂર્ણ થયું પણ દરવાજા લગાવવાની પરમીશન છેક 17 એાકટોબર 2014 ના રોજ નર્મદા કટ્રોલ ઓથોરીટી દ્રારા મળતા ડેમ પર દરવાજા માટેના બેસાડ બનાવવાનુ કામ 17 એાકટોબર 14 ના રોજથી પુર જોશમા રાત દિવસ ચાલ્યું અન્રે આ કામ ગત 17 જૂન 2017માં આ કામ પૂર્ણ થયું. તેજ દિવસે દરવાજા બંધ કરવાની પરમિશન પણ નર્મદા કન્ટ્રોલ ઑથોરિટી દ્વારા આપાતાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વીજળીક ઝડપે ડેમ પર આવ્યા અને દરવાજા બંધ કર્યા અને નર્મદા બંધની પાણી સંગ્રહ કરવાની શક્તિ વધી. ત્યારે આ ડેમ હવે પૂર્ણ પણ થયો છે. 17 સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન મોદીએ આ યોજનાનું લોકાર્પણ પણ કર્યું, ત્યારે સહુથી વધુ ખુશી આ બંધમાં કામ કરતા સેંકડો કર્મચારીઓ અને ઇજનેરોને થઇ છે. એક તબક્કે નર્મદા વિરોધીઓ આ યોજનાનો વિરોધ કરતા હતા. તેઓને આ ઇજનેરો હવનમાં હાડકા નાખનારા રાક્ષસો સાથે પણ સરખાવી રહ્યા છે. 

17 સપ્ટેમ્બર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ડેમનું લોકાર્પણ થયું. હાલ 30 જેટલા આ ગેટ બેસી ગયા છે છે, આ ૩૦ પૈકી ૨૩ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ અને ૧૬.૭૬ મીટર પહોળાઇના તેમજ ૭ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ તેમજ ૧૮.૩૦ મીટર પહોળાઇ ના છે જેનુ કુલ વજન ૧૩,૦૦૦ મેટ્રીક ટન જેટલુ છે અને આ દરવાજા ૧૯ વર્ષ પહેલા ૧૯૯૫માં ૫૦ કરોડમાં બનાવવામા આવ્યા હતા. આ એક ગેટ ખોલવામા આવે તો તેમાથી ૧,૦૦,૦૦૦ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થશે.

નર્મદા બંધની ઊંચાઈ સંપૂર્ણ પુરી થઇ ગઈ છે ત્યારે ગુજરાત માટે સાચે જ આ બંધ જીવાદોરી બનશે એ વાત ચોક્કસ છે કેમ કે વરસાદને કારણે સંગ્રહ થયેલ પાણી બંધના ઓવેરફલો દ્વારા વહી જતું હતું તે હવે નથી વહી જતુ અને જરુરીઆત સમયે વાપરી પણ શકાશે. જોકે આ માટે સરકાર દ્વારા સુચારુ આયોજનની પણ જરૂર છે.

  • 5 ઓક્ટોબર 2016 ના રોજ 122.36 મીટર થી ઓવર ફલૉ થયો જે છેલ્લી વખત હતો તે સમયે દરવાજા લાગી ગયા હતા પણ દરવાજા બંધ કરવાની પરમિશન નહિ મળી હતી. જેથી દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા. 
  • 2016માં જ 7 ઓગસ્ટ 2016ના રોજ પ્રથમ વખત ઓવરફલૉ થયો હતો. 
  • જયારે 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા ડેમના લોકાર્પણ પ્રસંગે આવના હતા, ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટર હતી.  
  • ત્યાર પછી વર્ષ 2018, 2019, 2020માં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો હતો.
  • વર્ષ 2018માં નર્મદા નીરના વધામણાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા હતા. 
  • વર્ષ 2019માં વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.
  • વર્ષ 2020માં નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અને રાજ્ય કક્ષાના મંત્રી યોગેશ પટેલ દ્વારા નર્મદાના નીરના વધામણાં કર્યા હતા.
  • વર્ષ 2021માં ઉપરવાસમાં વરસાદ ઓછો પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી. જેથી ડેમ તેની મહત્તમ સપાટી સુધી પહોંચ્યો નથી.
  • 2022માં ફરી 15 સપ્ટેમ્બરના રોજ આજે નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો છે અને  નર્મદાના નીરના વધામણાં કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા.