મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી
સિંગાપોર રિપબ્લિકના ભારતસ્થિત હાઈકમિશ્નરે મુલાકાત લીધી
વાયબ્રન્ટ સમિટમાં સિંગાપોરની સહભાગીતાની ખાતરીનો પુનરોચ્ચાર કર્યો
સિંગાપોર રિપબ્લિકના ભારતસ્થિત હાઈકમિશ્નરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત સિંગાપોર રિપબ્લિકના ભારતસ્થિત હાઈકમિશ્નર યુત સિમોન વોંગએ ગાંધીનગરમાં લીધી હતી.મુખ્યમંત્રીએ આ સૌજન્ય મુલાકાત બેઠકની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સિંગાપોર ભારત માટે લાંબા સમયથી ટાઈમ ટેસ્ટેડ ભાગીદાર રહ્યું છે. ભારત-સિંગાપોરના આ દ્વિપક્ષીય સંબંધસેતુ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસીનો મુખ્ય આધારસ્તંભ છે, એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સિંગાપોર સ્ટોક એક્સચેન્જની ઓફિસ તથા સિંગાપોર ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર સફળતાપૂર્વક કાર્યરત છે, તેની વિગતો આપી હતી.તેમણે ગુજરાતને ફિનટેક ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ધોલેરા ગ્રીન ફિલ્ડ ઈન્ડસ્ટ્રિયલ રિજિયન, ગ્રીન હાઈડ્રોજન તથા ગ્રીન એમોનિયા સેક્ટરમાં પણ વૈશ્વિક હબ બનાવવાની નેમ બેઠકની વાતચીતમાં વ્યક્ત કરી હતી.સિંગાપોર રિપબ્લિકના હાઈકમિશ્નર યુત સિમોન વોંગએ ગુજરાત સાથેના સંબંધોમાં ફિનટેક સાથોસાથ ઈ-મોબિલિટી, ગ્રીન એમોનિયા, ગ્રીન હાઈડ્રોજન, લોજિસ્ટિક્સ તથા ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટર્સમાં રહેલી નિવેશ તકોનો લાભ લેવાની તત્પરતા દર્શાવી હતી.તેમણે ગુજરાત સેમિ-કન્ડક્ટર પોલિસી તેમ જ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ અંગે જાણવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો.આ સંદર્ભમાં મુખ્ય સચિવ રાજકુમારે ધોલેરા એસ.આઈ.આર. અને સાણંદમાં સેમિ-કન્ડક્ટર ઈન્ડસ્ટ્રી માટે એક સર્વગ્રાહી ઈકોસિસ્ટમ તૈયાર થઈ રહી હોવાની વિગતો આપી હતી. સિંગાપોરના હાઈકમિશ્નર યુત સિમોન વોંગ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં કાર્યરત ઈનસ્પેસની મુલાકાતે તેઓ જવાના છે, તેની માહિતી આપી હતી. આ સેક્ટરમાં પણ ગુજરાતની ભૂમિકા વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં જણાવ્યું કે, અમદાવાદ જિલ્લાના સાણંદમાં સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરની સ્થાપના માટે રાજ્ય સરકારે ઈન-સ્પેસ સાથે તાજેતરમાં એમ.ઓ.યુ. પણ કરેલા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તાજેતરમાં ગુજરાત ડેલિગેશનની સિંગાપોર મુલાકાતની સફળતા અંગે આ સૌજન્ય મુલાકાત બેઠકમાં ચર્ચા વિમર્શ પણ થયો હતો. આગામી વાયબ્રન્ટ સમિટમાં સિંગાપોરની સહભાગીતાની ખાતરીનો પુનરોચ્ચાર હાઈકમિશ્નરે કર્યો હતો.સિંગાપોર રિપબ્લિકના હાઈકમિશ્નરએ જણાવ્યું કે, માઈક્રોન ફેસિલિટી સેન્ટર ઉપરાંત અગ્રગણ્ય ઊદ્યોગગૃહોની ગુજરાત ડેલિગેશનની મુલાકાત ફળદાયી રહી છે અને વાયબ્રન્ટ સમિટ માટેનું પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થયું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફળદાયી મુલાકાતમાં સહયોગ માટે સિંગાપોર હાઈકમિશ્નરનો આભાર વ્યક્ત કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વાયબ્રન્ટ સમિટ-2024માં જોડાવા માટે સિંગાપોરના હાઈકમિશ્નરને આમંત્રણ પાઠવ્યું હતું.
વધુ સમાચાર માટે જોતા રહોવી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ