ગાંધીનગરની ફૂડ ફ્લાઇંગ સ્ક્વોડે  મરચાં પાવડર નો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો

0
45
મરચાં પાવડર
મરચાં પાવડર

ફુડ એન્ડ ડ્રગ વિભાગે ખેડામાંથી મરચાં પાવડર ના શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે,રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં બાતમીને આધારે શંકાસ્પદ સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરની ફૂડ ફ્લાઇંગ સ્ક્વોડ તથા નડિયાદ ફૂડ ટીમે સંયુક્ત રીતે ખેડા જિલ્લાના પીપલજ ખાતે આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડર નો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે. દરોડો પાડીને આ ટીમોએ સ્થળ પર જ ટેસ્ટીંગ કીટથી ચકાસણી કરતા મરચાં માં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યુ છે. ફૂડ ટીમે રૂ. ૪.૧૭ લાખની કિંમતનો ૨,૩૪૯ કિલો મરચાં પાવડર નો જથ્થો જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત મરચાં પાઉડર ના ત્રણ અલગ અલગ પેકેટમાંથી નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ. જી કોશિયાએ જણાવ્યુ છે.

રાજ્યના નાગરિકોને ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યભરમાં ખાદ્યચીજોમાં ભેળસેળ કરતાં તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, તાજેતરમાં ગાંધીનગરની ફૂડ ફ્લાઇંગ સ્ક્વોડ તથા નડિયાદની સ્થાનિક ફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકા ખાતે આવેલા પીપલજ સ્થિત એક ગોડાઉનમાં દરોડો પાડી મરચાં પાવડરનો શંકાસ્પદ જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. શાંતિલાલ બંસીલાલ સમદાનીના આ ગોડાઉન ગાયત્રી ઓઈલ મિલ કમ્પાઉન્ડ ખાતેથી પ્રાથમિક તપાસમાં સ્થળ ઉપર શંકાસ્પદ મરચાં પાવડરનુ ઉત્પાદન થતુ જોવા મળી આવ્યુ હતુ.

ડૉ. કોશિયાએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે, આ વેપારી મે. મહેશ મસાલા ગૃહ ઉદ્યોગ નામે નડિયાદનાં ડભાણ ખાતે FSSAI લાઈસન્સથી મસાલાનો વેપાર કરતા હોવાનું ધ્યાને આવ્યુ છે. આ વેપારી ખાનગી અનઅધિકૃત ગોડાઉન ભાડે રાખીને મરચામાં કલરની ભેળસેળ કરતા હોવાની તંત્રને મળેલી માહિતીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા સ્થળ ઉપર મેજિક બોક્ષ (ટેસ્ટીંગ કીટ)થી સ્થળ ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું બહાર આવ્યુ હતું. તે ઉપરાંત સ્થળ પરથી મરચુ પાઉડરના ત્રણ અલગ અલગ પેકેટમાંથી નમૂનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે રૂ. ૪.૧૭ લાખની કિંમતનો આશરે ૨,૩૪૯ કિલોગ્રામ મરચુ પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. આ સંદર્ભે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.


Discover more from VR LIVE GUJARAT: Gujarat News

Subscribe to get the latest posts to your email.