ગુજરાતની પ્રખ્યાત વાઘ બકરી ચા કંપનીના માલિક અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈ નું રવિવારે (22 ઓક્ટોબર, 2023) અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. 49 વર્ષના દેસાઈ ને બ્રેઈન હેમરેજને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ લાંબા સમયથી વેન્ટિલેટર પર હતા. રખડતા કૂતરા ઓએ હુમલો કરતાં તે ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર, વાઘ બકરી ચાના માલિક 15 ઓક્ટોબરના રોજ દેસાઈ અમદાવાદમાં તેમના ઘરની બહાર રખડતા કૂતરાઓએ કરેલા હુમલાથી બચવાનો પ્રયત્ન કરતા પડી ગયા હતા. જેથી તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. એક સુરક્ષા ગાર્ડે આ ઘટના અંગે પરિવારને જાણ કરી અને દેસાઈને સારવાર માટે નજીકની શેલ્બી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
મળતી માહિતી અનુસાર, એક દિવસના નિરીક્ષણ પછી તેમને સર્જરી માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા. રવિવારે મોડી રાત્રે તબિયત લથડતા તેમનું અવસાન થયું હતું.
વાઘ બકરી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈ 1892માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીના વ્યવસાયને સંભાળનારા પરિવારના ચોથી પેઢીના સભ્ય હતા. દેસાઈના પરિવારમાં પત્ની વિદિશા અને પુત્રી પરિશા છે.
પરાગ દેસાઈ ચાના સ્વાદમાં નિષ્ણાત હતા
પરાગ અને તેમના પિતરાઈ ભાઈ પારસ 1990ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. પરાગ, લોંગ આઇલેન્ડ યુનિવર્સિટી, યુએસએમાંથી એમબીએ પૂર્ણ કર્યા પછી, વાઘ બકરી ટી ગ્રુપના બોર્ડમાં બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાંના એક હતા.
તેમણે કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસનું સંચાલન કર્યું. કહેવાય છે કે દેસાઈને ચાનો સ્વાદ ખૂબ જ સારો હતો. એક કાર્યક્ષમ વેપારી હોવા ઉપરાંત તેઓ ચાના નિષ્ણાત પણ હતા.