T20 World Cup 2026 :ક્રિકેટના સૌથી ટૂંકા અને રોમાંચક ફોર્મેટ એવા ટી20 વર્લ્ડ કપ 2026નો આજથી ભવ્ય શંખનાદ થવા જઈ રહ્યો છે. ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા આ મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. મેચોની સાથે-સાથે મેદાનની બહારની રાજનીતિ, સુરક્ષા મુદ્દા અને વિવાદોએ પણ ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ ચર્ચાનું તાપમાન વધારી દીધું છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત આ વખતે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે. ખાસ વાત એ છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વિદાય બાદ ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે.

T20 World Cup 2026 :પ્રથમ દિવસનું શિડ્યુલ

વર્લ્ડ કપના પ્રથમ દિવસે ક્રિકેટ ચાહકોને ત્રણ મેચનો જોરદાર ડોઝ મળશે.
- ઉદ્ઘાટન મેચ સવારે 11 વાગ્યે કોલંબોમાં પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે.
- બીજી મેચ બપોરે 3 વાગ્યે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે થશે.
- દિવસની સૌથી વધુ રાહ જોવાતી મેચ સાંજે 7 વાગ્યે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યાં યજમાન ભારત અને અમેરિકાની ટીમો આમને-સામને થશે.
T20 World Cup 2026 :ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત મજબૂત દાવેદાર

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમને આ વર્લ્ડ કપની સૌથી સંતુલિત ટીમોમાંથી એક માનવામાં આવી રહી છે. ઓપનિંગમાં ઈશાન કિશન અને અભિષેક શર્માની જોડી જોવા મળી શકે છે, જ્યારે મધ્યક્રમમાં હાર્દિક પંડ્યા ટીમને સંતુલન આપશે. બોલિંગ વિભાગમાં જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ ભારતની સૌથી મોટી તાકાત ગણાય છે. નિષ્ણાતોના મતે ભારત આ વખતે યજમાન દેશ વર્લ્ડ કપ ન જીતી શકે તેવો મિથક તોડવાની પૂરી શક્યતા ધરાવે છે.
T20 World Cup 2026 :મેદાનની બહાર વિવાદો
ટુર્નામેન્ટની શરૂઆત પહેલા જ સુરક્ષા મુદ્દા અને IPL કોન્ટ્રાક્ટ વિવાદને લઈને બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણયને સમર્થન આપતાં પાકિસ્તાને પણ ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જોકે, ICC એ સ્પષ્ટ કરી દીધું છે કે વર્લ્ડ કપ નિર્ધારિત સમયપત્રક મુજબ જ યોજાશે.
આ વિવાદોની વચ્ચે નેપાળ અને ઈટાલી જેવી એસોસિએટ ટીમો પણ આ વખતે મોટો ઉલટફેર સર્જવા આતુર જોવા મળી રહી છે. હવે જોવાનું રહ્યું કે ટી20 વર્લ્ડ કપ 2026 ક્રિકેટપ્રેમીઓને કેટલા નવા રોમાંચક ક્ષણો આપે છે.




