T20 World Cup 2026: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માંથી બાંગ્લાદેશને સત્તાવાર રીતે બહાર કરી દેવામાં આવ્યું છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટુર્નામેન્ટમાં સામેલ કરવાની પુષ્ટિ કરી છે. આ અંગે ICC દ્વારા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.
T20 World Cup 2026: સ્કોટલેન્ડને ગ્રુપ-Cમાં સ્થાન

બાંગ્લાદેશની વિદાય બાદ સ્કોટલેન્ડને T20 વર્લ્ડ કપ 2026માં તક આપવામાં આવી છે. સ્કોટલેન્ડને ગ્રુપ-Cમાં રાખવામાં આવ્યું છે, જ્યાં તેનો મુકાબલો ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, નેપાળ અને ઇટાલી સામે થશે.
T20 World Cup 2026: ભારતે મેચ રમવા ઈનકાર કરવો પડ્યો ભારે
છેલ્લા ત્રણ અઠવાડિયાથી બાંગ્લાદેશ અને ICC વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. બાંગ્લાદેશે સ્પષ્ટ કરી દીધું હતું કે તે ભારતમાં વર્લ્ડ કપની મેચ નહીં રમે અને તેમની મેચ શ્રીલંકામાં ખસેડવામાં આવે. જોકે ICCએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મેચ ભારત માં જ રમાશે.
આ મુદ્દે ICC બોર્ડમાં વોટિંગ થયું હતું, જેમાં 14-2ની બહુમતીથી બાંગ્લાદેશની મેચો ભારતમાં યોજવાના નિર્ણયને મંજૂરી મળી હતી. આ વોટિંગમાં બાંગ્લાદેશને માત્ર બે જ વોટ મળ્યા હતા.

T20 World Cup 2026: DRCમાં અપીલ પણ રહી બેકાર
ICCના નિર્ણય વિરુદ્ધ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કમિટી (DRC)માં અપીલ દાખલ કરી હતી. પરંતુ ન્યૂઝ એજન્સી PTI અનુસાર, આ મામલો સમિતિના અધિકાર ક્ષેત્રની બહાર હોવાને કારણે સુનાવણી શક્ય નથી.
BCBએ તમામ કાયદાકીય વિકલ્પ અજમાવવાની વાત કરી છે અને જો અહીંથી પણ રાહ ન મળે તો કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)નો રસ્તો અપનાવવાની શક્યતા દર્શાવી છે.

24 કલાકમાં જવાબ ન મળતાં ICCએ લીધો કડક પગલું
ICCએ બાંગ્લાદેશને 24 કલાકની સમયમર્યાદા આપી હતી, પરંતુ આ દરમિયાન બાંગ્લાદેશ તરફથી કોઈ સત્તાવાર જવાબ ન મળ્યો. જેના કારણે ICC પાસે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવા સિવાય બીજો વિકલ્પ બચ્યો નહોતો.
સુરક્ષા મુદ્દે બાંગ્લાદેશ સરકારની ચિંતા
બાંગ્લાદેશ સરકારના રમત સલાહકાર આસિફ નઝરુલે ગુરુવારે ઢાકામાં રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે કહ્યું,
“અમે વર્લ્ડ કપ રમવા માગીએ છીએ, પરંતુ ભારતમાં અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈને ચિંતા હજુ પણ યથાવત છે.”
અંતે ICCનો સ્પષ્ટ સંદેશ
ICCના આ નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે ટુર્નામેન્ટના આયોજન અને યજમાન દેશના મામલે કોઈપણ પ્રકારની શરતો સ્વીકારવામાં આવશે નહીં. નિયમોનું પાલન ન કરનાર ટીમ માટે ICC હવે કડક વલણ અપનાવી રહ્યું છે.
આ પણ વાંચો :ICC and Bangladesh News: બાંગ્લાદેશને મોટો ઝટકો, T20 વર્લ્ડકપની મેચ ભારત બહાર યોજવાની માગ ICCએ ફગાવી




