Surat Shocker: સોશિયલ મીડિયા પર થયેલી ઓળખાણ યુવતી માટે નરક સમાન સાબિત થઈ હોય એવો ચકચારી બનાવ સુરતમાં સામે આવ્યો છે. રાજસ્થાનના કોટાની 21 વર્ષીય યુવતીને બર્થડે સેલિબ્રેશનના બહાને સુરત બોલાવી બે શખસોએ તેને નશાકારક ઈન્જેક્શન આપી 20 દિવસ સુધી બંધક બનાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. રાંદેર પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, પીડિતા યુવતીનો 25 ડિસેમ્બરે સોશિયલ મીડિયા મારફતે સુરતના અમન વર્મા સાથે સંપર્ક થયો હતો. અમનનો 1 જાન્યુઆરીએ જન્મદિવસ હોવાથી તેણે બર્થડે સેલિબ્રેશન માટે યુવતીને સુરત આવવા લલચાવી હતી. મિત્રતાના વિશ્વાસે યુવતી કોટાથી સુરત આવી, પરંતુ અહીં પહોંચતા જ તે હેવાનિયતનો ભોગ બની હતી.

Surat Shocker: ખોટી ઓળખ અને ફેક નામથી વિશ્વાસ જીત્યો
આ સમગ્ર મામલામાં ચોંકાવનારી બાબત એ છે કે અમનનો મિત્ર મહંમદ તોહીદુલે પોતાની અસલી ઓળખ છુપાવી હતી. તેણે પોતાનું નામ ‘રોહિત ઉર્ફે તુષાર’ જણાવી પોતે હિન્દુ હોવાનું ખોટું દર્શાવ્યું હતું. ધર્મ અને નામ છુપાવી યુવતીનો વિશ્વાસ જીત્યા બાદ બંનેએ આયોજનબદ્ધ રીતે તેને ફસાવી હતી.
Surat Shocker: હોટલોમાં બંધક બનાવી નશાકારક ઈન્જેક્શન
યુવતી સુરત પહોંચ્યા બાદ આરોપીઓએ તેને ‘મૂનલાઈટ’ સહિતની વિવિધ હોટલોમાં લઈ જઈ બંધક બનાવી હતી. આરોપીઓ યુવતીને નશાકારક ઈન્જેક્શન આપી બેભાન કરતા અને તેની પર વારંવાર દુષ્કર્મ આચરતા હતા. ફરિયાદ મુજબ યુવતીને માર મારી તેના સોનાના દાગીના પણ લૂંટી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેને દેહવેપાર જેવા ગુનામાં ધકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
Surat Shocker: હિંમત દાખવી પોલીસનો સંપર્ક
સતત 20 દિવસ સુધી શારીરિક અને માનસિક ત્રાસ સહન કર્યા બાદ યુવતીને એક તક મળતા તે આરોપીઓના સકંજામાંથી છૂટી ગઈ હતી. બાદમાં તેણે રાંદેર પોલીસ મથકનો સંપર્ક સાધી સમગ્ર ઘટનાની વિગત આપી હતી. શરૂઆતમાં કોટામાં ઝીરો નંબરથી FIR નોંધાઈ હતી, જે બાદમાં કેસ સુરતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.
વેઈટર અને દરજી કામ કરતા આરોપીઓ ઝડપાયા

રાંદેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 21 વર્ષીય અમન ઉર્ફે સાગર અજય ગયાપ્રસાદ વર્મા (હોટલમાં વેઈટર તરીકે કામ કરતો) અને 28 વર્ષીય મહંમદ તોહીદુલ ઉર્ફે તુષાર (દરજી કામ કરતો, મૂળ બંગાળનો વતની)નો સમાવેશ થાય છે. બંનેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.
હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ આરોપીઓએ અગાઉ પણ અન્ય કોઈ યુવતીઓને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ. આ બનાવ સોશિયલ મીડિયા પર અજાણ્યા સંપર્કો પ્રત્યે સાવચેત રહેવાની ગંભીર ચેતવણીરૂપ સાબિત થયો છે.




