આ વર્ષે રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વલસાડ ખાતે થઈ હતી. વલસાડ ખાતે મુખ્યમંત્રીએ 77માં સ્વતંત્રતા દિવસે ધ્વજવંદન કર્યું હતું. મુખ્યમંત્રીએ વલસાડ જિલ્લાને 138 કરોડના વિકાસ કામોની ભેટ આપી છે. સ્વતંત્રતા દિવસ પર વલસાડ જીલ્લામાં અંદાજે એકસો કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને 37.80 કરોડના કામોનું ઈ-લોકાર્પણ કર્યું. આજે મુખ્યમંત્રીએ એકસો લોકો એક સાથે બેસીને વાંચી શકે તેવા 1 કરોડ 44 લાખના ખર્ચે તૈયાર થયેલ પુસ્તકાલય સેન્ટર સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું.મુખ્યમંત્રીએ વલસાડ તાલુકાના ધમડાચી ગામે એપીએમસી માર્કેટના મેદાન પર ધ્વજવંદન કર્યું હતું. પોલીસ પરેડ, પોલીસ ફોર્સ નિદર્શન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે મુખ્યમંત્રીએ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 77માં સ્વાતંત્ર્ય દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ. રાષ્ટ્રીય પર્વે માતૃભૂમિનું ગૌરવ વધારવા અને અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપવા સંકલ્પ કરીએ.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8.30 કલાકે કુડાસણ ખાતેના અર્બેનિયા મોલથી યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. માન. મેયર હિતેષભાઈ મકવાણા, ડે. મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેન જશવંતભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર જે.એન. વાઘેલા, ડે. મ્યુનિ. કમિશનરશ્રી કેયૂર જેઠવા અને કાઉન્સિલર દ્વારા તિરંગા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અર્બેનિયા મોલથી રિલાયંસ ચાર રસ્તા, અપના અડ્ડા થઈને સરદાર ચોક સુધી યાત્રા ચાલી હતી. જેમાં અંદાજે 10 હજાર જેટલા નગરજનો, શાળાના બાળકો, પોલિસના જવાનો, ડિફેન્સ એકેડમીના છાત્રો ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રાથી ગાંધીનગર તિરંગામય બનીને દેશભક્તિના રંગે રંગાયું હતું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે સ્વતંત્રતા અંતર્ગત રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ને સલામી આપી ત્યાર બાદ તેમને કરેલા સંબોધનમાં કહ્યું કે 77માં આઝાદી પર્વ નિમિતે દર વર્ષે આઝાદી પર્વની ઉજવણીનું આયોજન થાય છે પરંતુ છેલ્લા બે વર્ષથી તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન ચાલે છે અને દેશ માટે બલિદાન આપનારા આપણા શહીદ વીરોને વિશેષ રીતે યાદ કરવામાં આવે છે.આ દેશની સ્વતંત્રતા સામે આવનાર કોઈપણ અડચનમાં દેશનો યુવાન પોતાનું બલિદાન આપવા પાછીપાની કરશે નહિ.