Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ નગરીએ એક ઐતિહાસિક અને અભૂતપૂર્વ દ્રશ્ય જોયું છે. હજારો વર્ષોથી શ્રદ્ધાનું મહાકેન્દ્ર રહેલા સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા આક્રમણના 1000 વર્ષ અને મંદિરના અંતિમ પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત મહોત્સવના પ્રથમ દિવસે સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર નાગા સાધુઓની ભવ્ય રવાડી નીકળી હતી.

Somnath Swabhiman Parv: પ્રથમવાર સોમનાથમાં નાગા સાધુઓની રવાડી
સામાન્ય રીતે જૂનાગઢના ભવનાથ મહાદેવના મેળામાં જોવા મળતી નાગા સાધુઓની રવાડી પ્રથમવાર સોમનાથમાં યોજાતા સમગ્ર શહેર શિવમય બની ગયું હતું. દિગમ્બર નાગા સાધુઓએ શસ્ત્ર પ્રદર્શન, અંગકસરત અને શૌર્યના દાવ રજૂ કરીને હાજર રહેલા લાખો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઢોલ-તાશાના ગુંજતા નાદ વચ્ચે “હર હર મહાદેવ” અને “જય સોમનાથ”ના જયઘોષથી આખો માર્ગ ગુંજ્યો હતો.

Somnath Swabhiman Parv: શૌર્ય અને ભક્તિનો અનોખો સંગમ
રવાડી દરમિયાન અંદાજે 50થી વધુ કલાકારોએ ઢોલ-તાશા સાથે એવો ઉત્સાહભર્યો માહોલ સર્જ્યો કે કેટલાંક ઢોલ પણ તૂટી ગયા. ભક્તિ અને શૌર્યના આ અનોખા સંગમે શ્રદ્ધાળુઓમાં નવી ઊર્જા ભરી દીધી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વે ઇતિહાસ, પરંપરા અને આત્મગૌરવનું જીવંત ચિત્ર ઉભું કર્યું.
Somnath Swabhiman Parv: શૌર્યયાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી
સ્વાભિમાન પર્વના મુખ્ય આકર્ષણ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (10 જાન્યુઆરી) સાંજે 5:25 વાગ્યે સોમનાથ પહોંચશે. તેઓ રાત્રિ રોકાણ કરી મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. આવતીકાલે (11 જાન્યુઆરી) સવારે 6:45 વાગ્યે શંખ સર્કલથી નીકળનારી ભવ્ય શૌર્યયાત્રામાં વડાપ્રધાન જાતે હાજરી આપશે. ત્યારબાદ સદ્ભાવના ગ્રાઉન્ડ ખાતે તેઓ વિશાળ જનમેદનીને સંબોધિત કરશે.
લાખો શ્રદ્ધાળુઓ માટે વિશાળ વ્યવસ્થા

વડાપ્રધાનના આગમન અને આ ઐતિહાસિક પર્વને લઈને સોમનાથમાં અભૂતપૂર્વ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ પહોંચે તે માટે 2000 એસ.ટી. બસો, 1000 ખાનગી બસો તથા ચાર મહાનગરોથી ખાસ “ટિકિટ વગરની” ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પાર્કિંગ, સુરક્ષા અને ટ્રાફિક માટે વિશાળ આયોજન સાથે સમગ્ર સોમનાથને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.
સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક મહોત્સવ નહીં પરંતુ ભારતના આત્મગૌરવ, શૌર્ય અને શ્રદ્ધાની જીવંત ઉજવણી બની રહ્યો છે.
આ પણ વાંચો :PM Modi in Gujarat:PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે




