Shri Ram : રામ મંદિર બનીને લગભગ તૈયાર થઇ ગયું છે. આગામી 22 જાન્યુઆરીના દિવસે રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ગુજરાત સહીત દેશભરમાંથી હજારો લાખો લોકો દર્શન કરવા અયોધ્યા પહોંચવાના છે, ગુજરાતમાંથી પણ અયોધ્યા મંદિર માટે અનેક વસ્તુઓ બનાવીને મોકલવામાં આવી છે, જેમકે 1100 કિલોની અગરબત્તી, મંદિરનો 100 કિલોનો તાંબાનો દીવો, અયોધ્યા મંદિરનો ધ્વજાદંડ, અયોધ્યા મંદિર સાથે આગામી હજારો વર્ષ માટે ગુજરાત સાથેનો નાતો જોડાઈ જશે ત્યારે આજે અમે તમને ખુદ ભગવાન શ્રી રામ (Shri Ram) નો ગુજરાત સાથે શું નાતો રહ્યો છે તેના વિશે જણાવીશું….

ગુજરાતની ધરતીનો મહાભારત અને એનાથી પણ જૂનું એટલેકે, રામાયણકાળ સાથે પણ સીધો સંબંધ જોડાયેલો છે. રામાયણમાં આવેલાં વિવિધ પ્રસંગો પૈકી એક સૌથી મહત્ત્વના પ્રસંગમાં ભગવાન શ્રીરામ (Shri Ram) નું ગુજરાત સાથેનું સીધું કનેક્શન આવે છે. સૌ કોઈ જાણે છેકે, છળકપટથી અધર્મી રાવણ સીતા માતાને ઉપાડી ગયો હતો. ત્યાર બાદ હનુમાન અને વાનર સેનાની મદદ લઈને ભગવાન શ્રીરામે લંકા પર ચઢાઈ કરી. રાવણનો વધ કર્યો અને તેનું રાજ્ય તેના ધર્મના પ્રતિક સમાન ભાઈ વિભિષણને સોંપ્યું. પણ શું તમે જાણો છોકે, રાવણના વધ બાદ ભગવાન શ્રીરામે ગુજરાતના એક સ્થળ પર વિશેષ પુજાપાઠ કર્યો હતો. ભગવાન શ્રીરામે (Shri Ram) ગુજરાતના એક ખાસ સ્થળ પર એક વિશેષ યજ્ઞ કર્યો હતો.

સૌ કોઈ જાણે છે કે, રાવણે સીતાનું હરણ કર્યું એ અવગુણ સિવાય તે ખુબ જ મહાન રાજા હતો. રાવણ ખુબ મહાન શિવભક્ત હતો. રાવણ ખુબ મહાન વિદ્વાન હતો. આ સાથે રાવણ એક બ્રાહ્મણ હતો. શાસ્ત્રોની માનીએ તો કોઈ પણ સ્ત્રી અથવા બ્રહ્મણની હત્યા કરવાથી મહાપાપનું ભાગીદાર બનવું પડે છે. તેથી રામે પણ ધર્મનું પાલન કરતી વખતે રાવણનો વધ કરવો પડ્યો. પરંતુ રાવણના વધ બાદ બ્રહ્મ હત્યાના પાપથી બચવા માટે ભગવાન (Shri Ram) શ્રીરામે ગુજરાતની એક ખાસ જગ્યાએ યજ્ઞ કર્યો હતો.

પૌરાણિક કથાઓમાં એનો પણ ઉલ્લેખ છેકે, રાવણ વધ બાદ બ્રહ્મ હત્યાના પાપથી બચવા માટે ભગવાન શ્રીરામે ગુજરાતની પુષ્પાનદીના કિનારે યજ્ઞ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સ્થળ આજે પણ ગુજરાતમાં હયાત છે. પુરાણો અનુસાર જ્યારે રામે રાવણનો વધ કર્યો ત્યારે તેમણે વસિષ્ઠ ઋષિને એવા સ્થળની પૃચ્છા કરી જ્યાં તેઓ બ્રહ્મહત્યાનું પાપ ધોઇ શકે. (રાવણ બ્રાહ્મણ હતો). વસિષ્ઠ મુનિએ તેમને ધર્મારણ્ય જવા કહ્યું, જે હાલના મોઢેરા નજીક હતું. ધર્મારણ્યમાં રામે મોઢેરક ગામ સ્થાપ્યું અને ત્યાં યજ્ઞ કર્યો. ત્યારબાદ ત્યાં સીતાપુર ગામની સ્થાપના થઇ જે બેચરાજી મોઢેરકથી 15 કિલો મીટર દૂર હતું. પછીના સમયમાં આ ગામ મોઢેરા તરીકે ઓળખાવા લાગ્યું.

Shri Ram : મોઢરાનું જગપ્રસિદ્ધ સુર્ય મંદિર
ઉત્તર ગુજરાતમાં પાટણ શહેરથી દક્ષિણ દિશામાં ૩૦ કિ.મી. અને અમદાવાદથી આશરે 105 કિલોમીટરના અંતરે રાજ્યના મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે મોઢેરાનું પ્રસિદ્ધ સુર્ય મંદિર. મોઢેરા પુષ્પાવતી નદીને કિનારે વસેલું એક પ્રાચીન સ્થળ છે. જે 11મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલા સૂર્યમંદિરને કારણે જગતભરમાં પ્રખ્યાત છે. પુરાણોમાં આ વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો હતો.

મોઢેરા ગામમાં જ્ઞાનેશ્વરી વાવ આવેલી છે, જે 16-17મી સદીની છે. આ વાવમાં સામાન્ય રીતે છેલ્લા માળમાં આવેલા મંદિરની જગ્યાએ પ્રથમ માળમાં મંદિર આવેલું છે. અહીં તમને કલા-સ્થાપત્યનો અનેરો સંગમ જોવા મળશે. સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનારો રાજ વંશ સોલંકી કુળનો હતો. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાતો હતો. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં પૂજતા હતા તેથી તેમણે પોતાના આદ્ય દેવતાની આરાધના માટે એક ભવ્ય સૂર્ય મંદિર બનાવવાનો નિર્ણય કર્યો અને આ પ્રકાર મોઢેરાના સૂર્ય મંદિરે આકાર લીધો. ભારતમાં ઓડિસાના કોર્ણાક અને બીજુ ગુજરાતના મોઢેરામાં આવેલું છે.
તમે આ પણ વાંચી શકો છો
લો બોલો.. વર્ષ 2024માં 365માંથી માત્ર 82 દિવસ જ વાગશે ઢોલ