Shankaracharya Camp :પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે છેલ્લા સાત દિવસથી ચાલતા વિવાદ વચ્ચે શનિવારે મોડી રાતે તણાવભરી ઘટના સામે આવી છે. શંકરાચાર્યના શિબિરમાં કેટલાક અસામાજિક તત્વોએ ઘૂસવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ અચાનક બગડી હતી.
Shankaracharya Camp :ભગવો ઝંડો લઈને પહોંચ્યા 10થી 15 યુવકો

મળતી માહિતી અનુસાર, ‘કટ્ટર સનાતની સેના’ નામના સંગઠનના 10થી 15 યુવકો ભગવો ઝંડો લઈને શંકરાચાર્યના શિબિરમાં પહોંચ્યા હતા. તેઓ ‘CM યોગી ઝિંદાબાદ’ અને ‘આઈ લવ બુલડોઝર બાબા’ના નારા લગાવતા અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
Shankaracharya Camp :શિષ્યો સાથે ધક્કામુક્કી, 15 મિનિટ સુધી હોબાળો
યુવકોને અટકાવતા શંકરાચાર્યના શિષ્યો સાથે ધક્કામુક્કી થઈ હતી. લગભગ 15 મિનિટ સુધી શિબિરમાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાથી શિબિર વિસ્તારમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. સંગઠનનો પ્રમુખ સચિન સિંહ હોવાનું કહેવાય છે.
શિબિર ચારેબાજુથી બંધ, રસ્તાઓ બ્લોક

પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે શંકરાચાર્યના શિષ્યોએ શિબિરને ચારેબાજુથી ઘેરી લીધી હતી. અંદર જવાના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ સેવકો દ્વારા સમજાવીને તોફાની તત્વોને શિબિર બહાર કાઢવામાં આવ્યા હતા.
પોલીસમાં ફરિયાદ નોંધાઈ
શિબિર પ્રભારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, અસામાજિક તત્વો લાકડી-દંડા અને ઝંડા સાથે શિબિરમાં ઘૂસ્યા હતા અને મારપીટ કરવા પર ઉતારુ હતા. શિષ્યોના જણાવ્યા પ્રમાણે પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી અને કોઈ મોટી ઘટના બની શકતી હતી.
શંકરાચાર્યના જીવને જોખમની આશંકા
શિષ્યોએ જણાવ્યું છે કે શંકરાચાર્ય ઘણી વખત શિબિરની બહાર બેઠા હોય છે. જો આવા તોફાની તત્વો ફરી હુમલો કરે તો શંકરાચાર્યના જીવને જોખમ ઉભું થઈ શકે છે. આથી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે.
ગૌ-પ્રતિષ્ઠા પ્રેરણા યાત્રા રદ
આ ઘટનાના પગલે સ્વામી અવિમુક્તેશ્વરાનંદે આજે ગૌ-પ્રતિષ્ઠા પ્રેરણા યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે. તેઓ દરરોજ આ યાત્રા કાઢતા હતા, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો જોડાતા હતા. જોકે, શિબિર તરફથી આ નિર્ણય અંગે હજી સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચો :UNHRC Vote: UNમાં ભારતે ઈરાનનું ખુલ્લેઆમ સમર્થન કર્યું, પશ્ચિમી દેશો ચોંક્યા




