Shaktipeeth Parikrama in Ambaji :અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભવ્ય આરંભ, પહેલા દિવસે 1 લાખથી વધુ માઈભક્તો ઉમટ્યા

0
130
Parikrama
Parikrama

Shaktipeeth Parikrama in Ambaji :પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 30મી જાન્યુઆરીથી ત્રણ દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પરંપરાગત ધાર્મિક માહોલ વચ્ચે દબદબાભેર પ્રારંભ થયો છે. મહોત્સવના પહેલા જ દિવસે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી એક લાખથી વધુ માઈભક્તો અંબાજી ધામ પહોંચ્યા હતા અને જગતજનની માઁ અંબાના દર્શન-પૂજન કરી લોકોની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

Shaktipeeth Parikrama in Ambaji: ‘બોલ માડી અંબે.. જયજય અંબે’ના નાદથી ગુંજ્યું અંબાજી

Shaktipeeth Parikrama in Ambaji

અરવલ્લીની ગીરીમાળાની વચ્ચે શોભાયમાન માઁ અંબાના પ્રાગટ્ય સ્થાન ગણાતા ગબ્બર પર્વત પર ભક્તિનો અદભુત માહોલ સર્જાયો હતો. અંદાજે 60 કરોડ રૂપિયાના ખર્ચે એક જ સ્થળે, એક જ માર્ગ પર આબેહૂબ નિર્માણ પામેલા દેશ-વિદેશના 51 શક્તિપીઠોના મંદિરોની પરિક્રમા કરીને ભક્તો ધન્ય બન્યા હતા.

પરિક્રમાના પ્રથમ દિવસે પરંપરાગત પાલખી યાત્રા અને પવિત્ર જ્યોત યાત્રા નીકળતાં સમગ્ર પરિક્રમા માર્ગ ઉપર ‘બોલ માડી અંબે.. જયજય અંબે’ના ગગનભેદી નાદ સંભળાયા હતા.

 Shaktipeeth Parikrama in Ambaji:આધ્યાત્મિક શક્તિ ભારતની સૌથી મોટી તાકાત: રાજ્યમંત્રી

યાત્રાધામ અંબાજીમાં યોજાયેલા આ પાવન અવસરે વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,
“ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી તાકાત તેની આધ્યાત્મિક શક્તિમાં રહેલી છે. શ્રદ્ધા અને પ્રાર્થના માનવીના જીવનને નવી દિશા અને નવી ઊર્જા આપે છે. માઁ અંબાના ચરણોમાં શરણાગતિ લેતાં જીવનની અનેક મૂંઝવણોનો ઉકેલ પ્રાપ્ત થાય છે.”

સુરક્ષા માટે 550પોલીસ જવાનો તહેનાત

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં ભક્તોને દેશભરના તમામ 51 શક્તિપીઠોના દર્શન એક જ સ્થળે મળી રહે તે હેતુથી ગબ્બર પર્વત પર આબેહૂબ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે છેલ્લા પાંચ વર્ષથી આ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

મહોત્સવ દરમિયાન યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 550 પોલીસ જવાનો ગબ્બર પર્વત મંદિર રોડ સહિત ચાર ઝોનમાં બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા છે.

 કેસરી ધજાઓ સાથે ભક્તોની ભવ્ય પરિક્રમા

Shaktipeeth Parikrama in Ambaji

પરિક્રમા મહોત્સવના પહેલા દિવસે સવારથી જ ગબ્બર તરફ માઈભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો. યુવાનોથી લઈ વડીલો, મહિલાઓ અને બાળકો સુધી સૌ કોઈ કેસરી ધજાઓ સાથે 51 શક્તિપીઠોની પરિક્રમા કરતાં નજરે પડ્યા હતા.

 આદિવાસી નૃત્ય બન્યું વિશેષ આકર્ષણ

મહોત્સવ દરમિયાન આસપાસના વિસ્તારના આદિવાસી સમાજના યુવાન-યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ પરિક્રમાના માર્ગ પર લોકસંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યો રજૂ કરતાં જોવા મળ્યા હતા. તેમના આ કલાત્મક પ્રદર્શનને જોઈ શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર આફરીન પોકારી હતી.

મોટી સંખ્યામાં સાધુ-સંતો, પદાધિકારીઓ અને હજારો માઈભક્તોની હાજરીથી સમગ્ર અંબાજી ધામ ભક્તિ, આસ્થા અને ઉત્સાહના રંગે રંગાયું છે.

આ પણ વાંચો :અમદાવાદમાં કળીયુગી દીકરાની ક્રૂરતા: મિલકત વિવાદમાં માતાની દંડાના ઘા ઝીંકી હત્યા