Safety Norms Flouted:સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીમાં સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતી એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રોના ખુલ્લા ખાડા ફરતે મજબૂત બેરિકેડિંગના અભાવે એક એક્ટિવા સવાર દંપતી 20 ફૂટ ઊંડા ખાડામાં પટકાતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
Safety Norms Flouted: જીવના જોખમે મેટ્રોની કામગીરી

મળતી માહિતી મુજબ, પર્વત પાટિયા વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટ માટે અંદાજે 20 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. એક એક્ટિવા ચાલક પાછળ મહિલાને બેસાડીને પસાર થઈ રહ્યો હતો, ત્યારે બેરિકેડ્સ વચ્ચે જગ્યા હોવાને કારણે અથવા સંતુલન બગડતા તેઓ સીધા જ પાતાળ જેવા ઊંડા ખાડામાં ખાબક્યા હતા.
Safety Norms Flouted: હિટાચીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન
ખાડામાં દંપતી ખાબકતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ખાડો ઘણો ઊંડો હોવાથી તેમને બહાર કાઢવા મુશ્કેલ હતા, અંતે સ્થળ પર હાજર હિટાચી (જેસીબી) મશીનની મદદ લેવામાં આવી હતી. હિટાચીના બકેટમાં બેસાડીને અત્યંત સાવધાનીપૂર્વક બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં દંપતીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે.

Safety Norms Flouted: CCTVમાં કેદ થઈ લાપરવાહી
આ સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સુરક્ષા માટે સિમેન્ટના મજબૂત બેરિકેડ લગાવવાને બદલે માત્ર પતરાના નાજુક બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. પતરા વચ્ચેની ખાલી જગ્યા નિર્દોષ નાગરિકો માટે મોતના કૂવા સમાન સાબિત થઈ રહી છે.

સવાલોના ઘેરામાં મેટ્રો વહીવટીતંત્ર
આ ઘટના બાદ જ્યારે મીડિયા દ્વારા મેટ્રોના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેઓએ મૌન સેવી લીધું હતું.
- શું કોઈ મોટી જાનહાનિ થાય તો જ તંત્ર જાગશે?
- સુરક્ષાના ધોરણોમાં આટલી મોટી ચૂક બદલ જવાબદાર કોણ?
- સ્માર્ટ સિટીના નામે નિર્દોષોના જીવ સાથે ક્યાં સુધી ચેડાં કરવામાં આવશે?
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : 63 એવોર્ડ્સ જીતનાર તેજસ્વી વિદ્યાર્થીને હિલવુડ સ્કૂલે કર્યું ટોર્ચર? રિઝલ્ટ અને TCમાં ચેડાંના આક્ષેપ સાથે વાલી પોલીસને શરણે




