ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજને સાત ટકા સુધી વધારી દીધો છે. સેન્ટ્રલ બેંકે મજબૂત સ્થાનિક માંગ અને ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતાના વપરાશમાં વધારો વચ્ચે વૃદ્ધિ દરના અંદાજમાં વધારો કર્યો છે. અગાઉ, કેન્દ્રીય બેંકે 2023-24માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)નો વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. 8 ડીસેમ્બરના રોજ દ્વિમાસિક નાણાકીય સમીક્ષા બેઠકના પરિણામો આપતી વખતે, રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ભૌગોલિક રાજકીય તણાવ, જોકે, વિકાસ દરના દૃષ્ટિકોણ માટે જોખમ છે. રિઝર્વ બેંક ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત પાંચમી વખત કી પોલિસી રેટ રેપોને 6.5 ટકા પર જાળવી રાખવાનો નિર્ણય કર્યો.
RBIનો અંદાજ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર સાત ટકા રહેશે. ડિસેમ્બર ક્વાર્ટરમાં તે 6.5 ટકા અને માર્ચ ક્વાર્ટરમાં 6 ટકા રહેવાનો અંદાજ છે. કેન્દ્રીય બેંકે કહ્યું કે આગામી નાણાકીય વર્ષના પ્રથમ, બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દર અનુક્રમે 6.7 ટકા, 6.5 ટકા અને 6.4 ટકા રહેવાની ધારણા છે. માર્ચ 2023માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દરે વૃદ્ધિ પામ્યું હતું.
ચાલુ નાણાકીય વર્ષના જૂન અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો વાસ્તવિક GDP વૃદ્ધિ વાર્ષિક ધોરણે અનુક્રમે 7.8 ટકા અને 7.6 ટકા હતો. માર્ચ ક્વાર્ટરમાં વિકાસ દર 6.1 ટકા હતો. સેન્ટ્રલ બેંકનો અંદાજ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓના અંદાજ કરતા ઘણો વધારે છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક અને રેટિંગ એજન્સી ફિચે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 6.3 ટકા રહેવાની આગાહી કરી છે, જ્યારે S&P એ વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરી છે. ભારતીય રિઝર્વ બેંક એ જણાવ્યું હતું કે જાહેર ખર્ચમાં વધારો, ઉત્પાદન ક્ષેત્રમાં સરેરાશ ક્ષમતાનો ઉપયોગ અને સ્થાનિક માંગ જીડીપી વૃદ્ધિને વેગ આપશે.