Rajkot News: શહેરના રૈયા ધાર વિસ્તારમાં આવેલી સોપાન હાઈટ્સ બિલ્ડિંગમાં સોમવારે બપોરે એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. બિલ્ડિંગના સ્વિમિંગ પૂલમાં ન્હાવા પડેલા નેપાળી શ્રમિક પરિવારના બે માસૂમ બાળકોના ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. માત્ર 14 દિવસ પહેલા જ રોજગારીની શોધમાં રાજકોટ આવેલા પરિવાર પર આભ ફાટ્યું છે.
Rajkot News: બહેનને બચાવવા જતાં ભાઈ પણ હોમાયો

પ્રાપ્ત વિગતો અનુસાર, સોપાન હાઈટ્સમાં સફાઈ કામ કરતા નેપાળી દંપતીના બે સંતાનો, દીપેશ (ઉં.વ. 7) અને દેપસીકા (ઉં.વ. 5) રમતા-રમતા સ્વિમિંગ પૂલ પાસે પહોંચ્યા હતા. બપોરે 2:30 થી 3:30 ના અરસામાં નાની બહેન દેપસીકા અચાનક ઉંડા પાણીમાં ડૂબવા લાગી હતી. પોતાની વ્હાલસોયી બહેનને ડૂબતી જોઈ 7 વર્ષનો મોટો ભાઈ દીપેશ તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યો હતો. જોકે, કમનસીબે બંને માસૂમો પાણીના ઉંડાણમાં ગરકાવ થઈ ગયા હતા.
Rajkot News: પરિવારમાં આક્રંદ: 14 દિવસ પહેલા જ કામે લાગ્યા હતા

બનાવની જાણ થતા જ બિલ્ડિંગમાં સફાઈ કરી રહેલા માતા-પિતા દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશોની મદદથી બંને બાળકોને પૂલમાંથી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ પરિવાર મૂળ નેપાળનો છે અને છેલ્લા 14 દિવસથી જ અહીં સફાઈ કામદાર તરીકે જોડાયો હતો.
Rajkot News: પોલીસ કાર્યવાહી અને સીસીટીવી
ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી ઘટનાના ચોક્કસ સમય અને કારણો જાણી શકાય.




