Rajkot news: રાજકોટ જિલ્લાના ગોંડલ-આટકોટ હાઈવે પર આજે (30 જાન્યુઆરી) વહેલી સવારે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મોટા માંડવા અને મોટા દડવા ગામની વચ્ચે હ્યુન્ડાઈ ‘ઓરા’ કાર પુલ પરથી લગભગ 8 ફૂટ નીચે ખાબકતા જ ભીષણ આગમાં ફેરવાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે મહિલા સહિત ત્રણ શિક્ષકો જીવતા ભુંજાઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, છોટા ઉદેપુરથી ગોંડલ તરફ જઈ રહેલી ઓરા કાર (નં. GJ-34-N-0962) વહેલી સવારે પોણા છ વાગ્યાની આસપાસ અચાનક ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રોડ પરથી નીચે ઉતરી પુલ નીચે ઊંધી ખાબકી હતી. કાર પડતાં જ ઈંધણ લીકેજ અથવા શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી.

કાર ઊંધી પડવાના કારણે તેના તમામ દરવાજા જામ થઈ ગયા હતા, જેથી અંદર સવાર લોકો બહાર નીકળી શક્યા ન હતા. જોતજોતામાં જ આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ અને મહિલા સહિત ત્રણ શિક્ષકોને બચવાની એક પણ તક મળી ન હતી.
Rajkot news: અકસ્માતમાં મોતને ભેટેલા શિક્ષકો
- પ્રયાગભાઈ ગણપતસિંહ બારૈયા
(ગૃપાચાર્ય, મોટી સઢલી પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર) - આશાબેન સત્યપાલ ચૌધરી
(શિક્ષિકા, ગાબડિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર) - નિતાબેન એન્થની પટેલ
(શિક્ષિકા, ગાબડિયા પ્રાથમિક શાળા, છોટા ઉદેપુર)
અકસ્માતની જાણ થતા સાણથલી 108 એમ્બ્યુલન્સ તેમજ ગોંડલ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો અજયસિંહ વાળા, જયેશભાઈ સોજીત્રા, દિવ્યરાજસિંહ ઝાલા અને સતુભા જાડેજાની ટીમે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં કારમાં સવાર તમામ લોકો સંપૂર્ણપણે બળીને ભડથું થઈ ગયા હતા.

ફાયર ફાઈટરોને કટર વડે કારના પતરા કાપી મૃતદેહો બહાર કાઢવા પડ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જ્યારે શિક્ષક સમાજમાં પણ ભારે શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.




