Rahveer Scheme: દેશમાં માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નિતિન ગડકરીએ લોકસભામાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. હવે હાઈવે પર અકસ્માત સમયે ઈજાગ્રસ્ત વ્યક્તિની મદદ કરનાર નાગરિકોને સરકાર તરફથી ‘રાહવીર’ તરીકે ઓળખ આપવામાં આવશે અને તેમને ₹25,000નું રોકડ ઇનામ પણ આપવામાં આવશે.

Rahveer Scheme:અકસ્માતના આંકડા ચિંતાજનક
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગડકરીએ જણાવ્યું કે, ભારતમાં દર વર્ષે આશરે 5 લાખ માર્ગ અકસ્માત થાય છે, જેમાં 1.80 લાખ લોકોના મોત થાય છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આમાંથી 67 ટકા મૃત્યુ 18થી 34 વર્ષની વયના યુવાનોના થાય છે.
AIIMSના એક રિપોર્ટનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, જો અકસ્માત બાદ ઘાયલોને ગોલ્ડન અવર દરમિયાન સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે તો દર વર્ષે 50,000 લોકોના જીવ બચાવી શકાય.
Rahveer Scheme: ‘રાહવીર’ બનો, પોલીસનો ડર છોડો
માર્ગ અકસ્માત સમયે લોકો ઘણીવાર પોલીસ કાર્યવાહી અને કાનૂની ઝંઝટના ડરથી ઈજાગ્રસ્તોને મદદ કરતા અચકાય છે. આ ડરને દૂર કરવા માટે ગડકરીએ સ્પષ્ટ કહ્યું કે, હવે મદદ કરનાર વ્યક્તિને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે.
ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને સરકાર ‘રાહવીર’ તરીકે સન્માનિત કરશે અને તેમને ₹25,000નું પ્રોત્સાહન ઇનામ આપશે. સરકારનો હેતુ માનવતાને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં મદદરૂપ વાતાવરણ ઊભું કરવાનો છે.

Rahveer Scheme:સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે
કેન્દ્રીય મંત્રી ગડકરીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માત બાદના પ્રથમ 7 દિવસ સૌથી મહત્વપૂર્ણ હોય છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે, ઈજાગ્રસ્ત વ્યક્તિની 7 દિવસ સુધીની સારવારનો ખર્ચ અને ₹1.5 લાખ સુધીની રકમ સરકાર ઉઠાવશે. આ રકમ સીધી હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરાશે, જેથી પૈસાના અભાવે કોઈપણ ખાનગી હોસ્પિટલ સારવાર અટકાવી ન શકે.
માનવતા માટે મોટું પગલું
સરકારના આ નિર્ણયથી માર્ગ અકસ્માતના ભોગ બનેલા લોકોને સમયસર સારવાર મળશે અને સામાન્ય નાગરિકો પણ નિઃસંકોચ મદદ માટે આગળ આવશે. ‘રાહવીર’ યોજના દેશભરમાં માનવતા અને જવાબદારીની નવી સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.




