Ragging Horror: વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજમાં રેગિંગનો ચોંકાવનારો કિસ્સો સામે આવતાં શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. કોલેજના જુનિયર વિદ્યાર્થીઓને મોડી રાત્રે હોસ્ટેલમાં બોલાવી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. 25 નવેમ્બરની મધરાતે બનેલી આ ઘટનામાં ત્રણ જુનિયર વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાર્થીઓના આક્ષેપ મુજબ, તેમની સાથે અપમાનજનક વર્તન કરવામાં આવ્યું હતું અને વિરોધ કરવા બદલ ધમકીઓ પણ આપવામાં આવી હતી.
Ragging Horror: મોડી રાત્રે હોસ્ટેલમાં બોલાવી ટોર્ચર કર્યાનો આરોપ

મળતી માહિતી મુજબ, સિનિયર વિદ્યાર્થીઓએ જુનિયર વિદ્યાર્થીઓને મોડી રાત્રે હોસ્ટેલમાં બોલાવ્યા હતા. ત્યાં તેમની સાથે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાનો આરોપ છે. એટલું જ નહીં, એક વિદ્યાર્થી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પગ રેલિંગમાં ફસાઈ ગયો હોવાની પણ વિગતો સામે આવી છે.
Ragging Horror: જાતિવિષયક અપમાન અને માર મારવાની ધમકી
આ ઘટનામાં પીડિત વિદ્યાર્થીઓએ જાતિ અંગે અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેમની કારકિર્દી બરબાદ કરવાની અને માર મારવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
Ragging Horror: NMC સુધી પહોંચ્યો મામલો

આ ગંભીર મામલે પીડિત વિદ્યાર્થીઓએ નેશનલ મેડિકલ કમિશન (NMC) સમક્ષ રજૂઆત કરી છે. ત્યારબાદ સંબંધિત એન્ટી-રેગિંગ કમિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે તપાસમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોમાં કેટલી હકીકત છે તે બહાર આવશે. કોલેજમાં રેગિંગ રોકવા માટે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઊઠી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ‘રામાયણ’માં રાવણના મહિમામંડનનો વિવાદ: નિર્માતા નમિત મલ્હોત્રાની સ્પષ્ટતા, કહ્યું – અમે રાવણને સારો દર્શાવ્યો નથી

