સૌરાષ્ટ્ર-તમિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતા પીએમ મોદી
કર્ણાટક ચૂંટણીને ધ્યાને રાખી પીએમનો ગુજરાત પ્રવાસ રદ્દ : સૂત્ર
ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટકનો ગઢ હાંસલ કરવા અનુભવી નેતાઓનો ફોજ મેદાને ઉતારી દીધી છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સહીત અનેક દિગ્ગજ નેતાઓ કર્ણાટકનો પ્રવાસ ખેડી રહ્યા છે. તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદીનો 17 એપ્રિલનો ગુજરાત પ્રવાસ અચાનક જ રદ્દ કરવામાં આવ્યો છે. તેઓ 17 એપ્રિલના રોજ ગીર-સોમનાથમાં તમિલ સંગમનો પ્રારંભ કરાવવાના હતા અને સોમનાથ મંદિરની પણ મુલાકાત લેવાના હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, તેમનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવા પાછળ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ કર્ણાટક ચૂંટણીને ધ્યાને રાખીને આ પ્રવાસ રદ્દ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમના સ્થાને કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં હાજર રહે તેવી શક્યતા છે.