PM foreign tour : હાલ દેશ સહિત સમગ્ર વિશ્વની નજર 4 જૂને જાહેર થનારા ચૂંટણી પરિણામો પર છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભારતમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. એવી અપેક્ષા છે કે નવી સરકાર 8 જૂને શપથ લેશે. ત્યારે હવે ચૂંટણી પૂરી થયા પછી જે પણ વડાપ્રધાન બનશે તેના માટે આગામી કેટલાક મહિનાઓ ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. તેમને માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ અનેક પડકારોનો સામનો કરવો પડશે. તેમના વિદેશ પ્રવાસનું શેડ્યૂલ ખુબ જ ટાઈટ રહેવાનું છે.
PM foreign tour : ઇટાલીમાં જ્યોર્જિયા મેલોનીને મળશે
PM foreign tour : વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે નવી સરકારની રચનાને લઈને આગામી કેટલાક મહિના નવા વડાપ્રધાન માટે થોડા વ્યસ્ત રહેવાના છે. જેના કારણે નવા વડાપ્રધાને વારંવાર વિદેશ પ્રવાસ કરવો પડશે. સૂત્રોનું કહેવું છે કે આ વર્ષે નવા વડાપ્રધાન માટે આઠ ફરજિયાત વિદેશ પ્રવાસની શક્યતા છે. વડાપ્રધાન મોદીએ આ વર્ષે ચૂંટણી પહેલા આમાંથી બે પ્રવાસ પૂર્ણ કરી લીધા છે, જેમાં UAE-કતાર અને ભૂટાનનો પ્રવાસ સામેલ છે.
નવા વડાપ્રધાનની પ્રથમ મુલાકાત ઇટાલીની હોઈ શકે છે. કારણ કે આ વર્ષે ઈટાલી 13 થી 15 જૂન સુધી G7 દેશોની મેજબાની કરી રહ્યું છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ખુદ વડાપ્રધાન મોદીને એપ્રિલના અંતમાં ઈટાલીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તે જોવું રસપ્રદ રહેશે કે જો મોદી ફરીથી દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાય છે તો તેઓ ઈટાલીની મુલાકાત લઈ શકે છે. જ્યોર્જિયા મેલોની અને વડાપ્રધાન મોદી વચ્ચેની કેમેસ્ટ્રી પણ ઘણી ચર્ચાનો વિષય રહી છે.
PM foreign tour : યુક્રેનમાં શાંતિ અંગે બેઠક
PM foreign tour : સૂત્રોએ જણાવ્યું કે ઈટાલી બાદ વડાપ્રધાન સ્વિત્ઝરલેન્ડ પણ જઈ શકે છે. ‘સમિટ ઓફ પીસ ઇન યુક્રેન’ 15 થી 16 જૂન સુધી સ્વિટ્ઝર્લેન્ડના બર્ગેનસ્ટોકમાં યોજાઈ રહી છે, જેના માટે ઔપચારિક આમંત્રણ આવી ગયું છે. જેનો હેતુ યુક્રેનમાં સ્થાયી શાંતિની પુનઃસ્થાપના માટે રાજ્યોના વડાઓ સાથે મુલાકાત કરવાનો અને સર્વસંમતિ બનાવવાનો છે. ભારતે હંમેશા રશિયા-યુક્રેન સંઘર્ષ માટે શાંતિ સૂત્રનું સમર્થન કર્યું છે, વડાપ્રધાન મોદીએ પોતે કહ્યું હતું કે, “આ યુદ્ધનો યુગ નથી” અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા શાંતિની પ્રક્રિયા પર ભાર મૂકે છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે આ બંને મહત્વપૂર્ણ ઘટનાઓ છે અને તેમાં ભારતનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. આ અંગે કોઈ નિર્ણય નવી સરકાર આવ્યા બાદ જ લેવામાં આવશે.
PM foreign tour : SCO માં હાજરી
સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે કઝાકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠક ચાલી રહી છે. જેમાંથી SCO વિદેશ મંત્રીઓ, રક્ષા મંત્રીઓ અને પર્યાવરણ મંત્રીઓની પરિષદની બેઠક અસ્તાનામાં મળી છે, જેમાં વિદેશ મંત્રીના સ્થાને સંરક્ષણ મંત્રાલયમાં સચિવ (આર્થિક સંબંધો) દમ્મુ રવિ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને ભાગ લીધો હતો. SCO હેડ ઓફ સ્ટેટ કાઉન્સિલની બેઠક જુલાઈના પ્રથમ સપ્તાહમાં યોજાશે. આ બેઠકમાં ભારતના વડાપ્રધાનની હાજરી જરૂરી રહેશે.
PM foreign tour : ઓક્ટોબરમાં બ્રિક્સ સમિટ યોજાશે
આ પછી રશિયામાં 16મી બ્રિક્સ સમિટ યોજાવા જઈ રહી છે, જે 22 થી 24 ઓક્ટોબર 2024 દરમિયાન યોજાશે. બ્રાઝિલ ઉપરાંત રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા પણ તેમાં ભાગ લેશે. ગયા વર્ષે ઇજિપ્ત, ઇથોપિયા, ઇરાન, સાઉદી અરેબિયા અને યુએઇ નવા સભ્ય બન્યા હતા. જે બાદ તેમની કુલ સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. આ સમિટમાં આ તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે. આ પછી 18-19 નવેમ્બરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 લીડર્સ સમિટ યોજાવા જઈ રહી છે. જેમાં ભારત સહિત 19 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે. ગયા વર્ષે ભારતે G20 કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
PM foreign tour : વડાપ્રધાન ટોક્યો જઈ શકે છે
આ ઉપરાંત આ વર્ષે ઇથોપિયામાં ભારત-આફ્રિકા સમિટ પણ યોજાશે, જેની અધ્યક્ષતા ભારતના વડાપ્રધાન કરશે. ભારત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધોને જોતા આ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, દેશના વડા પ્રધાન જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે આ વર્ષના અંતમાં ટોક્યો જવાની યોજના પણ પ્રસ્તાવિત છે. એવી અપેક્ષા છે કે વડાપ્રધાન આ સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત, ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ અંતર્ગત 22-23 સપ્ટેમ્બર, 2024ના રોજ સંયુક્ત રાષ્ટ્રમાં ‘મલ્ટીલેટરલ સોલ્યુશન્સ ફોર એ બેટર ટુમોરો’ પર એક સમિટ પણ યોજાવાની છે. આમાં ભારતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. તેના મહત્વને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન તેમાં ભાગ લેશે તેવી અપેક્ષા છે.
આમ આગામી 6 મહિનામાં ભારતના નવા વડાપ્રધાનના તાબડતોડ વિદેશ પ્રવાસ રહેવાના છે, આગામી વડાપ્રધાનને ભારતની અંદરની વ્યવસ્થા અને વિદેશનીતિ બંને માટે તનતોડ મહેનત કરવી પડી શકે છે.
નોંધ : તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોવાથી નરેન્દ્ર મોદીના આ સ્ટોરીમાં ફોટોસ ઉપયોગ કર્યો છે, ચૂંટણી પરિણામો બાદ ભારતને જે પણ વડાપ્રધાન મળશે તે આ વિદેશ પ્રવાસ કરશે, વડાપ્રધાન મોદીના ફોટોનો ઉપયોગ માત્ર સાંકેતિક ફોટો તરીકે ઉપયોગમાં લીધા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો