Ayodhya : અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ગર્ભગૃહનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન, ગર્ભગૃહની પ્રથમ તસવીર પણ સામે આવી છે, જેમાં ભવ્ય ગર્ભગૃહની દિવાલો અને ગુંબજ પર સુંદર કોતરણી જોવા મળે છે. મંદિર ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા આ તસવીર જાહેર કરવામાં આવી છે. અયોધ્યા (Ayodhya) માં રામ મંદિરનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આવતા વર્ષે 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત લગભગ સાત હજાર લોકોને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભગવાન રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવાનું કામ પૂર્ણતાના આરે
ત્રણ મૂર્તિઓમાંથી બે કર્ણાટકના પથ્થરની અને એક રાજસ્થાનની છે
સાત હજાર લોકોને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રણ
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહની તસવીર શેર કરી છે.
રામલલાની મૂર્તિ 15 ડિસેમ્બર સુધીમાં મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવા માટે તૈયાર થઈ જશે. રામલલા (ભગવાન રામનું બાળ સ્વરૂપ)ની ત્રણ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભગવાન રામલલાની ત્રણ મૂર્તિઓ બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે, જેમાંથી એક રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે.
શ્રેષ્ઠ મૂર્તિની પસંદગી 15મી ડિસેમ્બરે કરવામાં આવશે
15 ડિસેમ્બરે મંદિર ટ્રસ્ટની ધાર્મિક સમિતિ આ મૂર્તિઓમાંથી પ્રાણ પ્રતિષ્ઠા માટે શ્રેષ્ઠ મૂર્તિની પસંદગી કરશે. મૂર્તિઓ 90 ટકા તૈયાર છે અને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સેલિબ્રિટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું
ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યા (Ayodhya) ખાતે રામ મંદિરમાં રામલાલના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સચિન તેંડુલકર, વિરાટ કોહલી, અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી સહિત લગભગ સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.