Panchmahal news :પંચમહાલ જિલ્લામાં તલાટી કમ મંત્રી તરીકે વર્ષો સુધી એક જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ સામે જિલ્લા પ્રશાસને કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા વિકાસ અધિકારીના આદેશથી પંચમહાલ જિલ્લામાં એકસાથે 29 તલાટીઓની બદલી કરવામાં આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલા લગ્ન નોંધણી કૌભાંડ બાદ સમગ્ર જિલ્લામાં તલાટીઓની કામગીરી અને તેમની લાંબા સમયથી ચાલતી નિમણૂક અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક તલાટીઓ વર્ષોથી એક જ ગામમાં ચીટકી રહેલા હોવાનો ખુલાસો થયો હતો.

Panchmahal news :પાંચ વર્ષથી વધુ સમય સુધી એક જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા
જિલ્લા સ્તરે લેવાયેલા નિર્ણય અનુસાર પાંચ વર્ષથી વધુ સમય સુધી એક જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કુલ 29 તલાટીઓની બદલી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ પગલું પ્રશાસનિક પારદર્શકતા અને ભ્રષ્ટાચાર પર નિયંત્રણ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
બદલી થયેલા તલાટીઓમાં 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 3 તલાટી, 9 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 3 તલાટી, 8 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 8 તલાટી, 7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 6 તલાટી તેમજ 5 વર્ષથી વધુ સમયથી એક જ પંચાયતમાં ફરજ બજાવતા 12 તલાટીઓનો સમાવેશ થાય છે.
Panchmahal news :તાલુકાવાર વિગતો મુજબ

ગોધરા તાલુકાના 3 તલાટી, જાંબુઘોડા તાલુકાના 1, કાલોલ તાલુકાના 8, હાલોલ તાલુકાના 4, ઘોઘમ્બા તાલુકાના 11 તેમજ મોરવા હડફ તાલુકાના 2 તલાટીની બદલી કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીની આ કાર્યવાહીથી તલાટી તંત્રમાં સંદેશ ગયો છે કે લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહીને નિયમોનું ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ સામે હવે કડક વલણ અપનાવવામાં આવશે. પ્રશાસન દ્વારા આ પગલું ભ્રષ્ટાચાર રોકવા અને સેવા વ્યવસ્થામાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો




