PAKISTAN ELECTION : આર્થિક તંગી, ભયંકર મોંઘવારી, તણાવભરી સ્થિતિ, 2100 ટનના 26 કરોડ બેલેટ પેપરથી મતદાન, રાત સુધીમાં આવી જશે પરિણામ!

0
478
PAKISTAN ELECTION
PAKISTAN ELECTION

PAKISTAN ELECTION : 266 નેશનલ એસેમ્બલી સીટો માટે મતદાન.બે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો સહિત 5,121 ઉમેદવારોના ભાવિ થશે નક્કી

પાકિસ્તાનમાં આજે એટલે કે 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીથી પાકિસ્તાનની જનતા આગામી પાંચ વર્ષ માટે તેમનું ભવિષ્ય નક્કી કરશે. લોકો આકાશને આંબી રહેલી મોંઘવારી સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે દેશમાં ચૂંટણી યોજાઈ રહી છે. આ સાથે અહીંના લોકો અનેક આર્થિક અને રાજકીય સંકટ વચ્ચે જીવન જીવવા મજબૂર છે.

પાકિસ્તાનમાં કેટલી બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે?

પાકિસ્તાનમાં દ્વિગૃહીય સંસદીય પ્રણાલી છે જેમાં નેશનલ એસેમ્બલીના મોટાભાગના સભ્યો લોકો દ્વારા ચૂંટાય છે. નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે, જેમાંથી 266 સીટો માટે લોકો મતદાન કરે છે. જ્યારે 60 બેઠકો મહિલાઓ માટે અને 10 બેઠકો બિન-મુસ્લિમો માટે અનામત છે. પંજાબ પ્રાંતમાં સૌથી વધુ 141 બેઠકો છે, સિંધમાં 75, ખૈબર પખ્તુનખ્વામાં 55, બલૂચિસ્તાનમાં 20 અને ઈસ્લામાબાદમાં ત્રણ બેઠકો છે.

PAKISTAN ELECTION :કેટલા મતદારો છે?

PAK ELE

પાકિસ્તાનમાં હાલમાં 12.85 કરોડ મતદારો છે, જે દેશની કુલ વસ્તીના અડધાથી વધુ છે. જેમાં 6.9 કરોડ પુરૂષ જ્યારે 5.9 કરોડ મહિલા મતદારો છે. નોંધાયેલા મતદારોમાં પણ 44 ટકા 35 વર્ષથી ઓછી ઉંમરના છે. 2018 થી, દેશમાં મતદારોની સંખ્યામાં 2.25 કરોડનો વધારો થયો છે, જેમાંથી 1.25 કરોડ મહિલાઓ છે. 2018માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 52 ટકા લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

કેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં?

પાકિસ્તાનની ચૂંટણીમાં 5,121 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમાંથી 4,806 પુરૂષો, 312 મહિલાઓ અને બે ટ્રાન્સજેન્ડર ઉમેદવારો છે.

પાકિસ્તાનની ચૂંટણીમાં કયા પક્ષો ભાગ લઈ રહ્યા છે?

કુલ 5,121 ઉમેદવારો 167 નોંધાયેલા રાજકીય પક્ષોમાંથી અથવા સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહ્યા છે. જો આપણે ચૂંટણી લડતા મુખ્ય પક્ષો પર નજર કરીએ, તો ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) (PML-N) અને બિલાવલ ભુટ્ટો અને આસિફ અલી ઝરદારીની આગેવાની હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) છે. ઈમરાન ખાનના પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના ચૂંટણી ચિહ્નને ચૂંટણી પંચ દ્વારા ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. આ કારણોસર પીટીઆઈના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડશે.

કેટલા મતદાન મથકો પર ચૂંટણી યોજાશે?

8 ફેબ્રુઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કુલ 90,582 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ મતદાન મથકોમાં 17,500 આસપાસના ‘અતિ સંવેદનશીલ’ મતદાન મથકો, 32,508 આસપાસના સંવેદનશીલ મતદાન મથકો અને 42,500 આસપાસના સામાન્ય મતદાન મથકોનો સમાવેશ થાય છે. લોકો બેલેટ પેપર દ્વારા મતદાન કરશે.

બેલેટ પેપરથી ચૂંટણી, પરિણામ એ જ દિવસે

PAK

પાકિસ્તાનમાં 8 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે 26 કરોડ બેલેટ પેપર છાપવામાં આવ્યા છે. તેમનું કુલ વજન લગભગ 2100 ટન છે. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાનમાં મતગણતરીનું સૌથી મુશ્કેલ કામ બેલેટ પેપરના મતદાન પછી તરત જ શરૂ થાય છે. મતદાન મથક પર અધિકારીઓ હાથ વડે મતોની ગણતરી કરે છે અને ચૂંટણીના દિવસે મોડી રાત્રે પરિણામો જાહેર કરવામાં આવે છે.

ચૂંટણી પહેલા બ્લાસ્ટ

પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બુધવારે બલૂચિસ્તાનમાં બે વિસ્ફોટ થયા હતા. પહેલો વિસ્ફોટ પિશિન શહેરમાં થયો હતો. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝના ડેટા અનુસાર, 15 લોકોના મોત થયા અને 30 લોકો ઘાયલ થયા. જોકે, બાદમાં મૃત્યુઆંક 12 હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા હતા.

BALOCHISTAN BLAST

વિસ્ફોટ અપક્ષ ઉમેદવાર અસફંદ યાર ખાન કાકરની ઓફિસની બહાર થયો હતો. બ્લાસ્ટ વખતે કક્કડ ઓફિસમાં હાજર ન હતા. આના થોડા સમય પછી, બીજો વિસ્ફોટ બલૂચિસ્તાનના કિલા સૈફુલ્લા શહેરમાં જમિયત-ઉલેમા-એ-ઇસ્લામ (JUI-F) પાર્ટીના ઉમેદવાર મૌલાના અબ્દુલ વાસેના કાર્યાલયની બહાર થયો હતો. તેઓ સુરક્ષિત છે. જો કે આ હુમલામાં 12 લોકોના મોત થયા છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. બંને વિસ્ફોટોમાં કુલ 24 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના ચૂંટણી પંચે બલૂચિસ્તાનના મુખ્ય સચિવ અને પોલીસ પાસેથી હુમલા અંગે રિપોર્ટ માંગ્યો છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો,

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો