Operation In Jammu : ગણતંત્ર દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરને હચમચાવી દેવાના પાકિસ્તાનના કાવતરાને સુરક્ષા દળોએ સમયસર નિષ્ફળ બનાવ્યું છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને જમ્મુ-કાશ્મીર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની સંયુક્ત કાર્યવાહી દરમિયાન જમ્મુના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે એક ફોરવર્ડ વિસ્તારમાંથી હથિયારોનો જથ્થો ઝડપાયો છે. આશંકા છે કે આ હથિયારો પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે મોકલવામાં આવ્યા હતા.

Operation In Jammu : ડ્રોનની શંકાસ્પદ હરકત બાદ સર્ચ ઓપરેશન
સુરક્ષા એજન્સીઓને બોર્ડર નજીક ડ્રોનની શંકાસ્પદ હરકત અંગે માહિતી મળતા તરત જ BSF અને SOGની ટીમે ધગવાલ વિસ્તારના પાલૂરા ગામ પાસે વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. શુક્રવારની મોડી રાત સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોને એક નાળાના કિનારે શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું.
Operation In Jammu : બોમ્બ સ્ક્વોડની મદદથી ખોલાયું પેકેટ
સુરક્ષા દળોએ કોઈ જોખમ ન રહે તે માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી પેકેટ ખોલ્યું હતું. તપાસ દરમિયાન પેકેટમાંથી બે પિસ્તોલ, ત્રણ મેગઝીન, 16 જીવતા રાઉન્ડ અને એક ગ્રેનેડ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ હથિયારો આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાઈ શકે તેમ હતા.

26 જાન્યુઆરીને નિશાન બનાવવાની આશંકા
સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે ગણતંત્ર દિવસના દિવસે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે આ હથિયારો મોકલવામાં આવ્યા હતા. 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખીને જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં પહેલેથી જ સુરક્ષા વધારવામાં આવી હતી, જેના કારણે આ કાવતરું સમયસર પકડાઈ ગયું.
ઠંડીનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે પાકિસ્તાન ઘૂસણખોરી અને આતંકી નેટવર્કને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનું સુરક્ષા સૂત્રોનું કહેવું છે. ઠંડી અને ધુમ્મસનો લાભ લઈ પાકિસ્તાની ડ્રોન મારફતે જમ્મુ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને તેમના મદદગારો સુધી હથિયારો પહોંચાડવાની યોજના બનાવાઈ હતી.
સુરક્ષા વધુ કડક
હથિયારો મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને બોર્ડર નજીક વધારાની પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ આ કેસ સાથે જોડાયેલા તમામ એંગલથી તપાસ કરી રહી છે અને ડ્રોન ઉડાન પાછળ રહેલા નેટવર્કને શોધવાનો પ્રયાસ તેજ કરવામાં આવ્યો છે.




